ભારતીય ક્રિકેટના હિટમેન રોહિત શર્માની ઐતિહાસિક 264 રનની ઇનિંગ્સને આજે 12 વર્ષ પૂર્ણ થયાં છે. 13 નવેમ્બર 2014ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે રોહિતે એવી બેટિંગ કરી હતી કે આખી ક્રિકેટ દુનિયા ચોંકી ગઈ હતી. તેણે માત્ર 173 બોલમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 264 રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈ એક બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. ખાસ વાત એ છે કે 12 વર્ષ બાદ પણ આ રેકોર્ડ કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી.
173 બોલમાં 264 રન બનાવી રચ્યો હતો ઇતિહાસ
શ્રીલંકા સામેની આ મેચમાં રોહિત શર્મા ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. શરૂઆતમાં સંભાળીને રમ્યા બાદ તેણે શ્રીલંકાના બોલરો પર આક્રમક પ્રહાર શરૂ કર્યા હતા.રોહિતે પોતાની ઇનિંગ્સમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેની 264 રનની ઇનિંગ્સમાં કુલ 42 બાઉન્ડરીનો સમાવેશ થયો હતો.રોહિતની આ ઇનિંગ્સ એટલી શાનદાર હતી કે તેણે વનડે ક્રિકેટમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો.
ભારતે 153 રનથી શ્રીલંકાને હરાવ્યું હતું
આ ઐતિહાસિક મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 404 રન બનાવ્યા હતા.રોહિત શર્માએ 264 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે વિરાટ કોહલીએ 66 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુઝે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.નુવાન કુલસેકરા અને શમિન્દા એરંગાએ 1-1 વિકેટ લીધી હતી.405 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 43.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ભારતે આ મેચ 153 રનથી જીતી લીધી હતી.
https://x.com/BCCI/status/2121045387910041789?a=267owbJ09jQdvBxcRS4&s=20
એન્જેલો મેથ્યુઝ અને થિરિમાનેની મહેનત ગઈ વ્યર્થ
શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુઝે 75 રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. તેણે 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે લાહિરુ થિરિમાનેએ 59 રન બનાવ્યા હતા.ભારત તરફથી ધવલ કુલકર્ણીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, સ્ટુઅર્ટ બિન્ની અને અક્ષર પટેલે 2-2 વિકેટ મેળવી હતી.આ રીતે રોહિત શર્માની ઐતિહાસિક ઇનિંગ્સે ભારતને મોટી જીત અપાવી હતી. 12 વર્ષ બાદ પણ 264 રનનો આ વિશ્વવિક્રમ અડીખમ છે અને હિટમેનના નામે વનડે ક્રિકેટનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધાયેલો છે.
આ પણ વાંચો - Tim Seifertની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ, રચ્યો નવો ઇતિહાસ!