ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માનું પ્રદર્શન અત્યાર સુધી ખાસ રહ્યું નથી. માઉન્ટ મૌનગાનુઈમાં રમાઈ રહેલી ચોથી વનડેમાં તો રોહિતના નામે એક એવો રેકોર્ડ નોંધાયો, જેને તે ક્યારેય યાદ રાખવા નહીં માગે. રોહિત પોતાની વનડે કારકિર્દીમાં પહેલીવાર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. એટલે કે, તે ઇનિંગ્સના પહેલા જ બોલે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો

પ્રથમ ઓવરમાં જ ભારતે 3 વિકેટ ગુમાવી દીધી

ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 333 રન બનાવ્યા હતા. આથી ભારત સામે જીત માટે 334 રનનો મોટો પડકાર હતો. જોકે, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી.

https://x.com/Shebas_10dulkar/status/2121127252138303600?a=N5IBbDEopKNm51IsYYg&s=20

રોહિત શર્મા શરમજનક યાદીમાં સામેલ

ચોથી વનડેમાં ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા રોહિત શર્માને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ પ્રથમ જ બોલે આઉટ કર્યો હતો. રોહિત ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ સાથે તે વનડે ઇનિંગ્સના પહેલા જ બોલે શૂન્ય રને આઉટ થનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં સામેલ થયો છે.આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ સૌથી આગળ છે. બંને બેટ્સમેન વનડે ઇનિંગ્સના પહેલા જ બોલે 3-3 વખત પોતાની વિકેટ ગુમાવી ચૂક્યા છે.જ્યારે સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, કૃષ્ણમાચારી શ્રીકાંત, મનોજ પ્રભાકર અને હવે રોહિત શર્મા આ યાદીમાં એક-એક વખત સામેલ થયા છે.

43 વર્ષ બાદ ભારતીય ટીમની આવી ખરાબ શરૂઆત

ચોથી વનડેમાં ભારતીય ટીમની શરૂઆત એટલી ખરાબ રહી હતી કે માત્ર 9 રનમાં જ 4 વિકેટ પડી ગઈ હતી. આ સાથે ભારતીય ટીમના નામે વનડે ક્રિકેટનો એક વધુ શરમજનક રેકોર્ડ નોંધાયો છે.વનડે ક્રિકેટના ઇતિહાસમાં આ માત્ર બીજી ઘટના છે, જ્યારે ભારતે 10 રનનો આંકડો પાર કરે તે પહેલાં પોતાની પ્રથમ 4 વિકેટ ગુમાવી હોય. આ પહેલાં 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે ટનબ્રિજ વેલ્સમાં રમાયેલી મેચમાં પણ ભારતીય ટીમે માત્ર 9 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.હવે 43 વર્ષ બાદ ભારતીય ટીમે ફરી એકવાર આવી ખરાબ શરૂઆત કરી છે.

પ્રથમ ઓવરમાં જ ભારતના 3 દિગ્ગજ બેટ્સમેન આઉટ

334 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની પ્રથમ ઓવર જ મુશ્કેલ બની ગઈ હતી. મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને શૂન્ય રને આઉટ કર્યા હતા. આ સમયે ભારતના સ્કોરબોર્ડ પર એક પણ રન નોંધાયો નહોતો.ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ પાસેથી મોટી ઇનિંગ્સની આશા હતી, પરંતુ તે પણ 13 બોલમાં માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.આવી મુશ્કેલ શરૂઆત બાદ ભારતીય ટીમ માટે મેચમાં વાપસી કરવી મોટો પડકાર બની ગયો હતો. હવે ટીમને જીત અપાવવા માટે બાકીના બેટ્સમેનોએ અસાધારણ પ્રદર્શન કરવાની જરૂર હતી

આ પણ વાંચો - IND vs NZ 4th ODI : ખાતુ પણ ન ખુલ્યુને પડી ગઈ 3 વિકેટ, આ 3 ખેલાડીએ કપાવ્યું નાક, બન્યો શરમજનક રેકોર્ડ