ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા પોતાના શાનદાર પ્રદર્શનથી ફરી એકવાર ટીકાકારોને જવાબ આપી રહ્યા છે.ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિતના વનડે ભવિષ્યને લઈને ઘણી ચર્ચા થઈ હતી.જોકે, મેદાન પરના તેમના પ્રદર્શને આ તમામ ચર્ચાઓને પાછળ છોડી દીધી છે.રોહિતે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી વનડેમાં સદી ફટકાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે પણ 101 અને 92 રનની ઇનિંગ્સ રમી હતી.તેમના હાલના ફોર્મને જોતા 2027ના વનડે વિશ્વ કપમાં રોહિત રમે તેવી શક્યતા અંગે ચર્ચા વધી છે.હવે રોહિત સામે વધુ એક ખાસ પડકાર છે.આ રેકોર્ડ સાથે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરની ખાસ ઈચ્છા પણ જોડાયેલી છે.

શું છે સુનીલ ગાવસ્કરની ઈચ્છા?

સુનીલ ગાવસ્કર ઈચ્છે છે કે જ્યારે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહે, ત્યારે તેમના વનડે સદીના આંકડા તેમની ઉંમર કરતાં વધુ હોય.હાલમાં રોહિતના નામે વનડે ક્રિકેટમાં 35 સદી છે. 2027ના વિશ્વ કપ દરમિયાન તેમની ઉંમર 40 વર્ષની થઈ જશે. એટલે ગાવસ્કરની આ ઈચ્છા પૂરી કરવા માટે રોહિતે આગામી સમયમાં વધુ સદીઓ ફટકારવી પડશે.સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં રોહિતના 92 રને આઉટ થવા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. જો રોહિત આ મેચમાં સદી ફટકારી શક્યા હોત, તો તેમની વનડે સદીની સંખ્યા 36 થઈ જાત અને તેઓ ગાવસ્કરની ઈચ્છા તરફ વધુ એક પગલું આગળ વધ્યા હોત.

ગાવસ્કર પોતે પણ ચૂકી ગયા હતા

ગાવસ્કરે આ વાત સમજાવવા માટે પોતાના કરિયરની વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કરિયરના અંતિમ તબક્કામાં તેમની પણ ઈચ્છા હતી કે ટેસ્ટ ક્રિકેટમાં તેમની સદીઓની સંખ્યા તેમની ઉંમર જેટલી થાય.પરંતુ તેઓ આ સિદ્ધિ મેળવી શક્યા નહોતા. ગાવસ્કરે જણાવ્યું હતું કે કરિયરના અંતિમ વર્ષમાં તેઓ 3 વખત નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયા હતા.જો આ ત્રણેય ઇનિંગ્સમાં તેઓ સદી પૂર્ણ કરી શક્યા હોત,તો 38 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેતી વખતે તેમના નામે 38 ટેસ્ટ સદી હોત.આ જ કારણસર હવે ગાવસ્કર ઈચ્છે છે કે રોહિત શર્મા આ ખાસ સિદ્ધિ હાંસલ કરે.

રોહિત શાનદાર ફોર્મમાં

રોહિત શર્મા હાલમાં વનડે ક્રિકેટમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે.છેલ્લા 4 વનડે મુકાબલામાં તેમણે 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે.ઈંગ્લેન્ડ સામેની સદી બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે 101રનની ઇનિંગ્સે તેમની બેટિંગ ફોર્મને વધુ મજબૂત બનાવી હતી.ત્યારબાદ મુલ્લાંપુરમાં રમાયેલી ત્રીજી વનડેમાં તેમણે 92 રન બનાવ્યા હતા.આ ઇનિંગ્સ દરમિયાન શરૂઆતમાં બોલ મૂવ થઈ રહ્યો હતો,જેના કારણે બેટિંગ કરવી સરળ નહોતી.રોહિતે શરૂઆતમાં જોખમ ઓછું રાખ્યું અને પરિસ્થિતિને સમજ્યા બાદ પોતાના આક્રમક શોટ રમવાનું શરૂ કર્યું.રોહિત 36મી વનડે સદી તરફ આગળ વધી રહ્યા હતા.પરંતુ પુલ શોટ રમવાના પ્રયાસમાં 92 રને વિકેટ ગુમાવી બેઠા હતા.

હવે નજર ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ પર

રોહિત શર્માની આગામી મોટી પરીક્ષા ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની વનડે શ્રેણીમાં થશે.આ શ્રેણીની શરૂઆત 4 નવેમ્બરથી થવાની છે.રોહિતનું હાલનું ફોર્મ જોતાં તેમની સદીની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ આગામી મેચોમાં કેટલા રન બનાવે છે અને શું તેઓ સુનીલ ગાવસ્કરની આ ખાસ ઈચ્છાને સાકાર કરી શકે છે

આ પણ વાંચો - Pitch Report Big Twist: ઈંગ્લેન્ડની રિસર્ચથી તૈયાર થઈ ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટી20 પિચ!