ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્મા માટે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ કોઈ ખરાબ સપનાથી ઓછી રહી નથી. 5 મેચની સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં પણ રોહિતનું બેટ શાંત રહ્યું હતું. તેઓ માત્ર 13 બોલમાં 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ સાથે જ રોહિતે પોતાના વનડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સૌથી ખરાબ રેકોર્ડ નોંધાવ્યો છે.ન્યૂઝીલેન્ડ સામેની સમગ્ર સીરિઝમાં રોહિત મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાંચ મેચની આ સીરિઝમાં તેમણે 4 મેચમાં બેટિંગ કરી હતી, જેમાં કુલ મળીને માત્ર 30 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમનો બેટિંગ સરેરાશ માત્ર 7.50 રહ્યો હતો. ઓપનર તરીકે કોઈ એક વનડે સીરિઝમાં રોહિતનો આ સૌથી ખરાબ બેટિંગ સરેરાશ છે.

5 મેચની સીરિઝમાં રોહિતના માત્ર 30 રન

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં રોહિત શર્મા પાસેથી ચાહકોને મોટી ઇનિંગની આશા હતી. જોકે, તેઓ દરેક મેચમાં નિષ્ફળ રહ્યા હતા.

  • પ્રથમ વનડે: 0 રન
  • બીજી વનડે: 23 રન
  • ચોથી વનડે: 0 રન
  • પાંચમી વનડે: 7 રન

આમ, રોહિતે 4 ઇનિંગમાં કુલ 30 રન બનાવ્યા હતા. તેમનો બેટિંગ સરેરાશ 7.50 રહ્યો હતો. એક સમયે બોલરો સામે આક્રમક બેટિંગ માટે જાણીતા રોહિત માટે આ આંકડા નિરાશાજનક છે.

146 કિમીની ઝડપે આવેલા બોલ પર ગુમાવી વિકેટ

પાંચમી વનડેમાં રોહિત શર્મા ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેથ્યુ ફિશરનો શિકાર બન્યા હતા. મેથ્યુ ફિશરે લગભગ 146 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓફ સ્ટમ્પની આસપાસ ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો.રોહિતે આ બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટ સાથે યોગ્ય રીતે કનેક્ટ થયો નહોતો. બોલ સીધો શોર્ટ મિડવિકેટ પર ઊભેલા ડીન ફોક્સક્રોફ્ટના હાથમાં ગયો હતો. ફોક્સક્રોફ્ટે સરળ કેચ પકડીને રોહિતની ઇનિંગનો અંત લાવી દીધો હતો.આ રીતે છેલ્લી વનડેમાં પણ રોહિત મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.

https://x.com/CricCrazyJohns/status/2121791580562751681?a=yNGTtzjOy5Rs4BTnjB4&s=20


ટીમ ઈન્ડિયાને પણ ન મળી સારી શરૂઆત

રોહિત શર્માની ખરાબ ફોર્મની અસર ભારતીય ટીમની બેટિંગ પર પણ જોવા મળી હતી. સમગ્ર સીરિઝ દરમિયાન ભારતીય ઓપનિંગ જોડીને એક પણ વખત 50 રનની ભાગીદારી નોંધાવવામાં સફળતા મળી નહોતી.વનડે સીરિઝમાં 4 કે તેથી વધુ મેચ રમાઈ હોય અને એક પણ વખત ઓપનિંગ જોડીએ 50 રનની ભાગીદારી ન કરી હોય,આવું ભારતીય ટીમ સાથે લગભગ 8 વર્ષ બાદ બન્યું છે.આ પહેલાં 2017-18માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ ભારતીય ઓપનિંગ જોડી 6 ઇનિંગમાં એક પણ અડધી સદીની ભાગીદારી નોંધાવી શકી નહોતી.આમ,ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં રોહિત શર્માની નિષ્ફળતા અને ઓપનિંગ જોડીને સારી શરૂઆત ન મળવી ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.હવે આગામી મેચોમાં રોહિત શર્મા કેવી રીતે વાપસી કરે છે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો- Disha Kasat Record : યુવરાજ-રોહિતની યાદ અપાવી દીધી! ભારતીય બેટરે છગ્ગાઓની રમઝટ બોલાવી