ભારતીય મહિલા ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમની બેટર સબ્બિનેની મેઘનાએ માત્ર 30 વર્ષની ઉંમરે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેના આ નિર્ણયથી ચાહકોને આશ્ચર્ય થયું છે. મેઘનાએ વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની કારકિર્દી દરમિયાન તેને ભારતીય ટીમ તરફથી મર્યાદિત તકો મળી, પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટ અને મહિલા પ્રીમિયર લીગમાં પણ પોતાની પ્રતિભા બતાવી હતી.

2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું હતું ડેબ્યૂ

આંધ્ર પ્રદેશની સબ્બિનેની મેઘનાએ વર્ષ 2016માં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 20 મેચ રમવાની તક મળી હતી. તેમાં 3 વનડે અને 17 T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે.વનડે ક્રિકેટમાં મેઘનાએ 1 અડધી સદીની મદદથી 114 રન બનાવ્યા હતા. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 1 અડધી સદી સાથે કુલ 258 રન નોંધાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે મર્યાદિત તકો મળવા છતાં તેણે પોતાની બેટિંગથી છાપ છોડી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યું હતું સિલ્વર મેડલ

મેઘનાની કારકિર્દીની યાદગાર ક્ષણોમાં વર્ષ 2022ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. મેઘના પણ આ ટીમનો ભાગ હતી.આ ઉપરાંત, તે મહિલા પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ સાથે પણ જોડાયેલી રહી હતી. વર્ષ 2024માં RCBએ મહિલા પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું ત્યારે મેઘના ટીમનો ભાગ હતી. આ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પણ તેને મહત્ત્વપૂર્ણ અનુભવ મળ્યો હતો.

https://www.instagram.com/p/De0bwpymrJW/?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

નિવૃત્તિની જાહેરાત કરતાં ભાવુક થઈ મેઘના

ક્રિકેટને અલવિદા કહેતાં મેઘનાએ સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે વિશ્વના સૌથી મોટા રમતગમતના મંચ પર દેશની જર્સી પહેરીને રમવું તેના માટે સપનું સાકાર થવા જેવું હતું.મેઘનાએ પોતાની ક્રિકેટ સફરમાં સાથ આપનાર પરિવાર, કોચ, ટીમના સાથી ખેલાડીઓ અને સહાયક સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI, આંધ્ર ક્રિકેટ એસોસિએશન અને પોતાની ફ્રેન્ચાઇઝી ટીમો પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.તેણે પોતાના સંદેશમાં સ્પષ્ટ કર્યું કે ભલે હવે તેની ખેલાડી તરીકેની સફર પૂરી થઈ રહી છે, પરંતુ ક્રિકેટ સાથેનો તેનો સંબંધ ક્યારેય તૂટશે નહીં.

હવે નવી પેઢીને માર્ગદર્શન આપવા માગે છે

નિવૃત્તિ બાદ મેઘના ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર થવા માગતી નથી. તેણે સંકેત આપ્યો છે કે તે ભવિષ્યમાં રમત સાથે જોડાયેલી રહેશે અને નવી પેઢીના ખેલાડીઓને માર્ગદર્શન આપવા તથા ક્રિકેટના વિકાસમાં યોગદાન આપવા માગે છે.માત્ર 30 વર્ષની ઉંમરે નિવૃત્તિનો નિર્ણય ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, મેઘનાએ પોતાની કારકિર્દીમાં મેળવેલા અનુભવો અને ભારતીય ક્રિકેટ સાથેના જોડાણને આગળ પણ જાળવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહેશે કે તે ક્રિકેટના કયા ક્ષેત્રમાં નવી ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો - WTC ફાઇનલની રેસમાં મોટો ટ્વિસ્ટ! ભારતની મુશ્કેલી વધી, 3 ટીમો વચ્ચે જંગ