ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ 15 વર્ષના બાળકે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે, અને તે નામ છે વૈભવ સૂર્યવંશી. તાજેતરમાં સમાપ્ત થયેલી IPL 2026 માં પોતાના વિસ્ફોટક અને પ્રભાવશાળી પ્રદર્શનના જોરે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. વૈભવની આ પ્રતિભા જોઈને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મુખ્ય પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે તેની સરખામણી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે કરી દીધી છે.


"જો સચિન ભગવાન છે, તો વૈભવ તેનો પુત્ર..."

ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર વૈભવ સૂર્યવંશીના મન મૂકીને વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું, "તેણે પોતાના શાનદાર પર્ફોર્મન્સના દમ પર ટીમ ઈન્ડિયામાં બળજબરીથી એન્ટ્રી મેળવી છે. તેની પસંદગીમાં ઉંમર કોઈ મોટો મુદ્દો નથી, પરંતુ તેનો સ્કોર મહત્વનો છે. તે સચિન તેંડુલકર પછીનો ભારતનો આગામી હીરો બની શકે છે. જો સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન છે, તો વૈભવ સૂર્યવંશી ભગવાનનો પુત્ર હોઈ શકે છે!" શ્રીકાંતે વૈભવના સંસ્કારોની પ્રશંસા કરતા ઉમેર્યું કે, તેનું મન એકદમ શાંત છે અને તે સિનિયર્સના આશીર્વાદ લેવા માટે દરેકના ચરણ સ્પર્શ કરે છે, જે એક મહાન ખેલાડી બનવાના સંકેત છે.

પ્લેઈંગ ઈલેવનમાં ઉતાવળ ન કરવાની સલાહ

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના આગામી પ્રવાસો માટે વૈભવની ભારતીય T20 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જો વૈભવને ડેબ્યૂ કરવાની તક મળશે, તો તે સચિન તેંડુલકરનો લાંબા સમયથી ચાલતો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બની જશે.

વૈભવને લઈને શ્રીકાંતે આપી આ સલાહ

જોકે, શ્રીકાંતનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવા માટે ઉતાવળ ન કરવી જોઈએ. તેમણે સલાહ આપી કે, "ટીમમાં સંજુ સેમસન અને અભિષેક શર્માને જ ઓપનિંગ કરવા દો. વૈભવને અત્યારે માત્ર રિઝર્વ બેન્ચ પર બેસીને ડ્રેસિંગ રૂમનો માહોલ જોવા દો, તે બહાર બેસીને પણ ઘણું શીખી શકે છે. મેનેજમેન્ટે તેને આગામી ત્રણ વર્ષ માટે ટીમમાં સ્થાન આપવાની ખાતરી આપવી જોઈએ, પછી ભલે તે રમે કે ન રમે."

IPL 2026 માં મચાવી ધૂમ, તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ

૧૫ વર્ષના આ ડાબોડી બેટ્સમેને IPL 2026 માં રનનો પહાડ ખડકી દીધો હતો. વૈભવ આ સીઝનમાં 776 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો અને તેણે પ્રતિષ્ઠિત ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી. તે પોતાની બીજી જ સીઝનમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. આટલું જ નહીં, તેણે એક જ સીઝનમાં રેકોર્ડબ્રેક 72 છગ્ગા ફટકારીને સિક્સર કિંગ ક્રિસ ગેલનો વર્ષો જૂનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો છે.

આગામી પ્રવાસ અને શેડ્યૂલ

ભારતીય ટીમનો આયર્લેન્ડ પ્રવાસ 26 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપરાંત, વૈભવ સૂર્યવંશીની શાનદાર રમતને જોતા તેની એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં પણ પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશને આશા છે કે વૈભવ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાની આ વિસ્ફોટક સફર ચાલુ રાખશે.


આ પણ વાંચો : IND vs AFG Day 3: અફઘાનિસ્તાન 15 રનમાં ઓલઆઉટ, ભારતે આપ્યું ફોલોઓન


  • Follow us on: