T20 મુંબઈ લીગમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પોતાના શાનદાર પ્રદર્શનથી સનસનાટી મચાવી દીધી છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી એક રોમાંચક મેચમાં અર્જુને એકલા હાથે બોલ અને બેટ બંને વડે વિસ્ફોટક પ્રદર્શન કરીને પોતાની ટીમ 'ARCS અંધેરી'ને એકતરફી જીત અપાવી હતી.  8 જૂનના રોજ, T20 મુંબઈ લીગમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે બાંદ્રા બ્લાસ્ટર્સ અને ARCS અંધેરી વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં, ARCS અંધેરી તરફથી રમતા અર્જુન તેંડુલકરે બેટિંગ અને બોલિંગમાં ધુઆંધાર પ્રદર્શન કરી પોતાની ટીમને જીત અપાવવા સાથે દર્શકોના દિલ પણ જીત્યા.


અર્જુન તેડુંલકરે બોલિંગમાં મચાવી તબાહી

મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી 'બાંદ્રા બ્લાસ્ટર્સ' સામે અર્જુન તેંડુલકરે ઘાતક બોલિંગનો નમૂનો રજૂ કર્યો હતો. તેણે પોતાની ૩ ઓવરના સ્પેલમાં ૧૩ ડોટ બોલ ફેંક્યા હતા અને માત્ર ૧૧ રન આપીને ૩ મહત્વની વિકેટો ઝડપી લીધી હતી. અર્જુનની આ કાતિલ બોલિંગના કારણે બાંદ્રા બ્લાસ્ટર્સની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૪૪ રન જ બનાવી શકી હતી.

મુંબઈ લીગમાં અર્જુનની વિસ્ફોટક બેટિંગ

૧૪૫ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ARCS અંધેરીની શરૂઆત નબળી રહી હતી અને ૩૨ રનના સ્કોર પર દિવ્યાંશ સક્સેના (૨૬ રન) પેવેલિયન ભેગો થયો હતો. તેના આઉટ થયા બાદ ત્રીજા નંબરે અર્જુન તેંડુલકર ક્રીઝ પર આવ્યો હતો. અર્જુને મેદાન પર આવતાની સાથે જ બાંદ્રા બ્લાસ્ટર્સના બોલરો પર પ્રહારો શરૂ કરી દીધા હતા. તેણે મેદાનની ચારેય બાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરતા માત્ર ૨૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. T20 મુંબઈ લીગમાં આ તેની પ્રથમ ફિફ્ટી છે.

૧૯૪ ના સ્ટ્રાઇક રેટથી અણનમ ૬૬ રન

અર્જુન તેંડુલકર માત્ર ૩૪ બોલમાં ૧૯૪.૧૨ ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટ સાથે ૬૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પોતાની આ તોફાની ઇનિંગ્સમાં તેણે ૪ ચોગ્ગા અને ૫ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. અર્જુન તેંડુલકરના આ અદભુત ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે ARCS અંધેરીએ બાંદ્રા બ્લાસ્ટર્સને ૯ વિકેટથી કારમી હાર આપી હતી. આ શાનદાર જીતનો અસલી હીરો અર્જુન તેંડુલકર રહ્યો હતો.


આ પણ વાંચો : Team Indiaમાંથી બહાર થતા જ સૂર્યકુમારે મચાવી ધૂમ,200ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 72 રન

  • Follow us on: