ભારતીય સ્પિનર આર.સાઈ કિશોરે ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પોતાની શાનદાર બોલિંગથી ધમાલ મચાવી છે.સાઈ કિશોરની ઘાતક બોલિંગના આધારે ગ્લોસ્ટરશાયરે ડર્બીશાયરને 213 રનથી હરાવીને મોટી જીત મેળવી છે.બ્રિસ્ટલના સીટ યુનિક સ્ટેડિયમમાં રમાયેલી ડિવિઝન 2ની આ મેચમાં સાઈ કિશોરે માત્ર 18 ઓવરમાં 20 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.319 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ડર્બીશાયરની ટીમ ગ્લોસ્ટરશાયરના સ્પિનરો સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી.ટીમની બીજી ઇનિંગ માત્ર 105 રનમાં સમેટાઈ ગઈ હતી.ખાસ વાત એ રહી કે ડર્બીશાયરની તમામ 10 વિકેટ સ્પિન બોલરોએ ઝડપી હતી.

સાઈ કિશોરે સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી

ડર્બીશાયર સામે સાઈ કિશોરે શરૂઆતથી જ બેટર્સ પર દબાણ બનાવ્યું હતું.ચાના વિરામ બાદ ગ્લોસ્ટરશાયરે બંને છેડેથી સ્પિન બોલિંગ શરૂ કરી હતી.ત્યારબાદ સાઈ કિશોરે ડર્બીશાયરની મુશ્કેલી વધારી દીધી.સાઈ કિશોરે એક જ ઓવરમાં સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે પહેલા હેરી કેમને LBW આઉટ કર્યો અને ત્યારબાદ મેટ મોન્ટગોમેરીને બોલ્ડ કર્યો.ત્યારબાદ તેણે વેન મેડસનને સેકન્ડ સ્લિપમાં કેચ આઉટ કરાવીને ડર્બીશાયરને વધુ એક મોટો ઝટકો આપ્યો.ડર્બીશાયરનો સ્કોર 3 વિકેટે 32 રન હતો ત્યારે ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી. ત્યારબાદ સાઈ કિશોરે એન્યુરિન ડોનાલ્ડ અને બ્રુક ગેસ્ટને પણ બોલ્ડ કરીને પોતાની 5 વિકેટ પૂરી કરી હતી. તેણે 8 ઓવર પૂરી થાય તે પહેલાં જ 5 વિકેટ ઝડપી લીધી હતી.

50 રન પહેલાં જ 6 વિકેટ પડી

ડર્બીશાયરની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે 50 રન સુધી પહોંચતા પહેલા જ તેની 6 વિકેટ પડી ગઈ હતી. ટીમનો સ્કોર 6 વિકેટે 41 રન હતો. ત્યારબાદ અન્ય ગ્લોસ્ટરશાયર બોલરોએ પણ દબાણ જાળવી રાખ્યું.એડ મિડલટને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે ઓલી પ્રાઇસે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. ડર્બીશાયરની ઇનિંગ આખરે માત્ર 105 રનમાં પૂરી થઈ અને ગ્લોસ્ટરશાયરે 213 રનથી શાનદાર જીત મેળવી.

https://x.com/TNCACricket/status/2096503708309991714?s=20


ગ્લોસ્ટરશાયરે 6 હાર બાદ મેળવી જીત

આ જીત ગ્લોસ્ટરશાયર માટે પણ ખાસ રહી. ટીમ સતત 6 મેચ હારી રહી હતી અને આ જીત સાથે હારનો સિલસિલો તૂટી ગયો. આ સિઝનમાં ગ્લોસ્ટરશાયરની બંને જીત ડર્બીશાયર સામે જ આવી છે.મેચમાં ગ્લોસ્ટરશાયરે બીજી ઇનિંગમાં 5 વિકેટે 359 રન બનાવીને દાવ જાહેર કર્યો હતો. માઇલ્સ હેમન્ડે 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે વિકેટકીપર જેમ્સ બ્રેસીએ અણનમ 104 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી.

બ્રેસીએ રચ્યો ખાસ રેકોર્ડ

જેમ્સ બ્રેસી માટે પણ આ મેચ યાદગાર રહી. તેણે મેચમાં 2 સદી ફટકારી. આ સાથે તે 1919માં હેરી સ્મિથ બાદ એક જ પ્રથમ શ્રેણીની મેચમાં 2 સદી ફટકારનાર ગ્લોસ્ટરશાયરનો પ્રથમ વિકેટકીપર બન્યો.જોકે મેચનો સૌથી મોટો હીરો સાઈ કિશોર રહ્યો. 18 ઓવરમાં માત્ર 20 રન આપીને 5 વિકેટ લેવાની તેની શાનદાર બોલિંગે ગ્લોસ્ટરશાયરને મોટી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો - Vaibhav Sooryavanshi સાથે બાખડ્યો તિલક વર્મા, વાત એટલી વધી ગઈ કે...