ભારતીય ક્રિકેટના અત્યંત પ્રતિભાશાળી અને યુવા બેટ્સમેન સાઈ સુદર્શનની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. પગના અંગૂઠાની ઈજામાંથી સાજા થઈને માંડ મેદાન પર પરત ફરેલા સુદર્શનને રણજી ટ્રોફીની મેચ દરમિયાન વધુ એક ઈજા થઈ હોવાના ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. જયપુરમાં રાજસ્થાન અને તમિલનાડુ વચ્ચે રમાઈ રહેલી મેચના બીજા દિવસે સાઈ સુદર્શન મેદાન પર લંગડાતો જોવા મળ્યો હતો, જેના પગલે તેની ફિટનેસને લઈને ફરી સવાલો ઊભા થયા છે.

ફિલ્ડિંગ દરમિયાન કેવી રીતે થઈ ઈજા?

રાજસ્થાન અને તમિલનાડુ વચ્ચેની મેચના બીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે સાઈ સુદર્શનને ઈજા થઈ હતી.રાજસ્થાનના બેટર કરણ લાંબાના એક શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે બોલ તેના ઘૂંટણ પર વાગ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.આ ઘટના બાદ સુદર્શનને અસ્વસ્થતા અનુભવાઈ હતી. ત્યારબાદ તમિલનાડુની ટીમના ફિઝિયોએ મેદાન પર આવીને તેની તપાસ કરી હતી. તે લંગડાતો જોવા મળતાં ટીમના સહાયક કર્મચારીઓની મદદથી તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.આ ઘટનાને કારણે ચાહકોમાં તેની ફિટનેસ અંગે ચિંતા વધી હતી.

ઈજા બાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો

સાઈ સુદર્શનને થયેલી ઈજા ગંભીર નહોતી.તેણે ઈજાગ્રસ્ત ભાગ પર આઇસ પેક લગાવીને સારવાર લીધી હતી.રાજસ્થાનની પ્રથમ ઇનિંગ પૂરી થઈ ત્યાં સુધી તે ફિલ્ડિંગ માટે પાછો આવ્યો નહોતો.જોકે,તમિલનાડુની બેટિંગ શરૂ થતાં જ સુદર્શન એન. જગદીશન સાથે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. આથી પ્રાથમિક રીતે તે બેટિંગ કરવા સક્ષમ હોવાનું જણાયું હતું.પરંતુ માત્ર બેટિંગ કરવા મેદાનમાં ઉતરવાથી ઈજા સંપૂર્ણપણે મટી ગઈ હોવાનું માની શકાય નહીં.

છેલ્લી ઘડીએ ફ્લાઈટ પકડીને ટીમ સાથે જોડાયો હતો

સાઈ સુદર્શન અગાઉ ઈજાના કારણે પરેશાન હતો અને ઓસ્ટ્રેલિયા A સામેની મેચ બાદ જ તેણે વાપસી કરી હતી. આ રણજી મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ તે પુડુચેરીથી વિમાન દ્વારા જયપુર પહોંચ્યો હતો અને શનિવારે રાત્રે10 વાગ્યે ટીમ સાથે જોડાયા બાદ તરત જ રવિવારે મેદાન પર ઉતરી ગયો હતો.વારંવાર થતી ઈજાઓ સાઈ સુદર્શનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હાલમાં તેની ઈજા ગંભીર જણાતી નથી, પરંતુ આગામી મેચોમાં તે રમશે કે નહીં તેનો અંતિમ નિર્ણય મેડિકલ સ્ટાફની સત્તાવાર તપાસ બાદ જ લેવામાં આવશે.

આ પણ વાંચો - Ranji Trophy : રવીન્દ્ર જાડેજાનું વાવાઝોડું! માત્ર આટલા બોલમાં સદી ફટકારી