દાંબુલામાં ટ્રાય A સિરીઝમાં શ્રીલંકા A સામે ભારત A ટીમની હાર બાદ ભારત A ટીમના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતાલેએ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લગતા વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
આ ઘટના એક રોમાંચક મેચ પછી બની હતી જેનો નિર્ણય સુપર ઓવરમાં લેવામાં આવ્યો હતો. ભારત A ટીમ મેચ હારી ગઈ હતી, જેના કારણે ફાઈનલમાં પહોંચવાની તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ મેચ પછી બંને ટીમોના ખેલાડીઓ વચ્ચેનો વિવાદ સાંજની ચર્ચાનો સૌથી મોટો વિષય બન્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ કરી ઝપાઝપી
મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકા A ના ક્રિકેટર વિષેન હાલામ્બાગેએ કથિત રીતે વૈભવ સૂર્યવંશીને કહ્યું હતું કે, "મેચ પૂરી થઈ ગઈ છે... હવે તમારે ઘરે જવું જોઈએ." આ કોમેન્ટથી સૂર્યવંશી ગુસ્સે થયા, અને બંને ખેલાડીઓ વચ્ચે દલીલ થઈ, જેના કારણે આખરે શારીરિક ટક્કર થઈ. ટીમના સાથીઓએ તાત્કાલિક વચ્ચે પડવું પડ્યું અને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવી.
અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ
આ બાબતે બોલતા સાઈરાજ બહુતુલેએ લોકોને વિનંતી કરી કે તેઓ સંપૂર્ણ વાર્તા જાણ્યા વિના ઉતાવળે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચે. "આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી, પરંતુ અમને ખબર નથી કે તે કેવી રીતે શરૂ થઈ. જ્યાં સુધી હું વૈભવને જાણું છું, તે ખૂબ જ શાંત વ્યક્તિ છે." તેમને વધુમાં કહ્યું કે વૈભવ સૂર્યવંશી હજુ પણ શીખી રહ્યો છે, ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મોટી જવાબદારી નિભાવી રહ્યો છે, અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન થવાની શક્યતા ઓછી છે.
'શ્રીલંકાના ખેલાડીઓને કેવી રીતે વર્તવું તે શીખવો'
ભારતના ભૂતપૂર્વ સ્પિનરે કહ્યું કે યુવા ખેલાડી સાથે આ મુદ્દા વિશે વાત કરવામાં આવશે અને ભાર મૂક્યો કે બંને ટીમોના ખેલાડીઓએ મેદાન પર યોગ્ય વર્તન રાખવું જોઈએ. "તે દુર્ભાગ્યપૂર્ણ હતું, પરંતુ મને ખાતરી છે કે ત્યાં અનુભવી કોચ છે જે તેમને સમજાવશે. મને લાગે છે કે શ્રીલંકાના ખેલાડીઓને પણ કેવી રીતે વર્તવું તે શીખવવું જોઈએ, અને તે જ આપણા પર પણ લાગુ પડે છે."
આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!