ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે 32મો જન્મદિવસ ખાસ બની ગયો છે. 11 નવેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવી રહેલા સંજુને એક દિવસ પહેલાં જ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026માં તેઓ કેરળની ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. કેરળ ક્રિકેટ એસોસિએશને આ ટુર્નામેન્ટ માટે 18 સભ્યોની ટીમ જાહેર કરી છે. સંજુને કેપ્ટન બનાવવામાં આવતા તેમના ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે.

સંજુ સેમસનને મળી કેપ્ટનશિપની જવાબદારી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026ની શરૂઆત 14 નવેમ્બરથી થવાની છે. આ ટુર્નામેન્ટમાં કેરળની ટીમ પોતાના અભિયાનની શરૂઆત મધ્યપ્રદેશ સામેની મેચથી કરશે.સંજુ સેમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે ટીમમાં રેડ બોલ ક્રિકેટના કેપ્ટન વિષ્ણુ વિનોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત કેરળ ક્રિકેટ લીગમાં શાનદાર પ્રદર્શન કરનારા કેટલાક યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. ટોપ ઓર્ડર બેટ્સમેન અહેમદ ઇમરાન અને ઓલરાઉન્ડર ગોવિંદ દેવને ટીમમાં સ્થાન મળ્યું છે. ઝડપી બોલર કે.એમ. આસિફ અને સ્પિનર વિઘ્નેશ પુથુરની પણ પસંદગી કરવામાં આવી છે.

https://x.com/BCCI/status/2120358353709002889?a=KxhCztwMlCMbGstE9oc&s=20


ગ્રુપ-Cમાં કેરળનો સમાવેશ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરળને ગ્રુપ-Cમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી અને ત્રિપુરાની ટીમો પણ સામેલ છે.આ પહેલીવાર નથી જ્યારે સંજુ સેમસન આ ટુર્નામેન્ટમાં કેરળની કેપ્ટનશિપ કરશે. ગત સિઝનમાં પણ તેમણે ટીમનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તેમની આગેવાની હેઠળ કેરળની ટીમ ગ્રુપ-Aમાં ચોથા સ્થાને રહી હતી અને નોકઆઉટ તબક્કામાં જગ્યા બનાવી શકી નહોતી.

https://www.instagram.com/p/DfkSiVBTIIh/?utm_source=ig_web_copy_link&srtk=NTc4MTIwNjQ2YQ==

ન્યૂઝીલેન્ડ સામે સંજુનું બેટિંગ પ્રદર્શન રહ્યું નિરાશાજનક

એક તરફ સંજુ સેમસનને કેપ્ટનશિપની જવાબદારી મળી છે, તો બીજી તરફ તેમની તાજેતરની બેટિંગ ચિંતાનો વિષય બની છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝની છેલ્લી 4 મેચમાં સંજુએ અનુક્રમે 14, 18, 4 અને 4 રન બનાવ્યા હતા.સંજુએ અત્યાર સુધી ભારત માટે 82 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન 74 ઇનિંગ્સમાં 26.69ની સરેરાશ અને 158.24ના સ્ટ્રાઇક રેટથી કુલ 1842 રન બનાવ્યા છે.તેમના નામે 3 સદી અને 11 અડધી સદી નોંધાયેલી છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 111 રન છે.હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સંજુ માટે પોતાની બેટિંગની લય પાછી મેળવવાની મહત્વપૂર્ણ તક બની રહેશે. જન્મદિવસે મળેલી કેપ્ટનશિપની ભેટને તેઓ શાનદાર પ્રદર્શનમાં ફેરવી શકે છે કે નહીં તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો - IPL 2027 Retention: 18 કરોડના પેટ કમિન્સને છોડશે SRH? જાણો હૈદરાબાદનો રિટેન્શન પ્લાન