આગામી IPL 2027 ઓક્શન માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે, જેમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજો અને સ્થાનિક યુવા સ્ટાર્સની નવી પેઢી પર સૌની નજર ટકેલી રહેશે. 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી આ ભવ્ય હરાજી માટે કુલ 1220 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાં 929 ભારતીય ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ યાદીમાં ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે તેમણે પ્રથમ વખત IPL ઓક્શન માટે નામ નોંધાવ્યું છે. બીજી તરફ, 'ધ વોલ' તરીકે જાણીતા રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડે આ વખતે હરાજીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
અંડર-19 એશિયા કપમાં ધૂમ મચાવનાર આર્યવીર સેહવાગ પર નજર
તાજેતરમાં સંપન્ન થયેલા અંડર-19 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ આ હરાજીમાં ખાસ ચર્ચામાં છે. આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડ બંને ભારતીય અંડર-19 ટીમનો હિસ્સો હતા. પોતાના પિતાની જેમ આક્રમક બેટિંગ કરતા આર્યવીરે એશિયા કપની 5 મેચમાં 90.25ની શાનદાર સરેરાશથી ટુર્નામેન્ટમાં સૌથી વધુ 361 રન ફટકારીને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'નો ખિતાબ જીત્યો હતો. તેના આ ધમાકેદાર પ્રદર્શને IPL ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન ખેંચ્યું છે, અને તે ₹30 લાખની બેઝ પ્રાઈસ સાથે ઓક્શનમાં ઉતર્યો છે.
ફાઇનલ હીરો મોહિત ઉલ્વા પણ ઓક્શનના મેદાનમાં
અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને ઐતિહાસિક જીત અપાવનાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર મોહિત ઉલ્વાએ પણ IPL 2027 ઓક્શનમાં નોંધણી કરાવી છે. ફાઇનલમાં 49 રનની મેચવિનિંગ ઇનિંગ રમનાર મોહિતે પણ પોતાની બેઝ પ્રાઈસ ₹30 લાખ રાખી છે. જોકે, આ બંને યુવા ખેલાડીઓ હાલ પ્રાથમિક યાદીમાં સામેલ છે; જો કોઈ ફ્રેન્ચાઇઝી તેમનામાં રસ દાખવશે અને શોર્ટલિસ્ટ કરશે, તો જ તેઓ અંતિમ હરાજીના પૂલમાં જોવા મળશે.
આ અંડર-19સ્ટાર્સે ઓક્શનથી દૂર રહેવાનો કર્યો નિર્ણય
ભારતીય અંડર-19 ટીમના કેટલાક અન્ય મુખ્ય ખેલાડીઓએ આ હરાજીમાં ભાગ ન લેવાનું પસંદ કર્યું છે. ફાઇનલમાં ફિનિશરની શાનદાર ભૂમિકા ભજવનાર મનલ ચૌહાણે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. આ ઉપરાંત, ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર કેપ્ટન લક્ષ્ય રાયચંદાની પણ આ યાદીમાંથી બહાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લક્ષ્ય હાલમાં પોતાની પાવર ગેમ અને મોટા શોટ્સ રમવાની ક્ષમતા સુધારવા પર ધ્યાન આપી રહ્યો હોવાથી તેણે હરાજીમાં ન ઉતરવાનો નિર્ણય લીધો છે.
BCCIએ જારી કર્યુ ખેલાડીઓનું લિસ્ટ
BCCI એ IPL 2027 પ્લેયર ઓક્શન માટે નોંધણી કરાવનારા દરેક દેશના ખેલાડીઓની સત્તાવાર યાદી બહાર પાડી છે. જે અંતર્ગત 929 ભારતીય ખેલાડીઓ અને અન્ય 17 દેશોના 281 વિદેશી ખેલાડીઓએ નોંધણી કરાવી છે. તેમાં કેપ્ડ અને અનકેપ્ડ ભારતીય અને વિદેશી ખેલાડીઓની પણ યાદી આપવામાં આવી છે. કુલ 184 કેપ્ડ ખેલાડીઓ અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 994 છે.
યુવા અનકેપ્ડ ખેલાડીઓની સાથે અનુભવી ભારતીય સ્ટાર્સ પણ હરાજીમાં જોવા મળશે. કુલ 939 ભારતીય ખેલાડીઓમાંથી 14 ખેલાડીઓ 'કેપ્ડ' શ્રેણીમાં છે, જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે આ 14 કેપ્ડ ખેલાડીઓમાંથી માત્ર બે જ ખેલાડીઓએ ₹2 કરોડની મહત્તમ બેઝ પ્રાઈસ રાખી છે, જેમાં ઝડપી બોલર અવેશ ખાન અને દીપક ચહરનો સમાવેશ થાય છે.
₹1 કરોડ અને ₹75 લાખના બ્રેકેટમાં સામેલ ભારતીય અનુભવીઓ
₹1 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતી યાદીમાં ચાર ભારતીય ફાસ્ટ બોલરો આકાશ દીપ, જયદેવ ઉનડકટ, તુષાર દેશપાંડે અને ઉમેશ યાદવ સામેલ છે. જ્યારે બાકીના આઠ કેપ્ડ ભારતીય ખેલાડીઓએ ₹75 લાખની બેઝ પ્રાઈસ નક્કી કરી છે, જેમાં મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, કરુણ નાયર, દીપક હુડા, સરંશ જૈન, કુલદીપ સેન, શિવમ માવી અને સ્પીડસ્ટર ઉમરાન મલિકના નામ સામેલ છે. એકંદરે, ગોવામાં યોજાનારી આ હરાજી અનુભવ અને યુવા જોશનો રોમાંચક સંગમ બની રહેશે.
આ પણ વાંચો : VIDEO: માર્ક્સ એકરમેનની સદી કરતાં દીકરાની ખુશીની વધુ ચર્ચા