લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી વનડે ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને અકલ્પનીય બેટિંગ પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. એક સમયે 154 રનમાં 9 વિકેટ ગુમાવી ચૂકેલી પાકિસ્તાની ટીમને શાદાબે પોતાની લડાયક અને અણનમ સદીના દમ પર અશક્ય લાગતી જીત અપાવી હતી. આ ધમાકેદાર ઇનિંગ્સ સાથે તેણે પુરુષોની વનડે ક્રિકેટમાં 8મા કે તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો વિશ્વવિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.

96 બોલમાં 113 રન: ચોગ્ગા-છગ્ગાની રમઝટ

242 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાનનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો. ટીમનો સ્કોર 31 રનમાં 3 વિકેટ અને ત્યારબાદ જોતજોતામાં 154 રને 9 વિકેટ થઈ ગયો હતો. આ નાજુક મોડ પર 8મા ક્રમે આવેલા શાદાબ ખાને ઇનિંગ્સની કમાન સંભાળી હતી.શાદાબે માત્ર 96 બોલનો સામનો કરીને 13 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા. તેણે ઇંગ્લિશ બોલરો સામે કાઉન્ટર-એટેક કરીને મેચનું પાસું સંપૂર્ણપણે પલટી નાખ્યું હતું.

https://x.com/ICC/status/2114534342005600706?s=20


મેહદી હસન અને સિમિ સિંહનો રેકોર્ડ તૂટ્યો

પુરુષોની વનડે ક્રિકેટમાં અત્યાર સુધી 8મા કે તેથી નીચેના ક્રમે કોઈ બેટ્સમેને સદી વટાવી નહોતી. આ યાદીમાં સંયુક્ત રીતે મોખરે રહેલા ખેલાડીઓને શાદાબે પાછળ છોડી દીધા છે

  • શાદાબ ખાન: 113* વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર (2026)
  • મેહદી હસન મિરાજ: 100* વિરુદ્ધ ભારત, મીરપુર (2022)
  • સિમિ સિંહ: 100* વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, માલાહાઇડ (2021)

10મી વિકેટ માટે 89 રનની અણનમ ભાગીદારી

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે બેન ડકેટના 105 રનની મદદથી 241 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની 9 વિકેટ પડી ગયા બાદ ઇંગ્લેન્ડની જીત માત્ર ઔપચારિકતા લાગતી હતી, કારણ કે ટીમને હજુ 88 રનની જરૂર હતી.જોકે, શાદાબ ખાનને છેલ્લી વિકેટ માટે હારિસ રઉફનો મજબૂત સાથ મળ્યો હતો. બંને વચ્ચે 10મી વિકેટ માટે 80 બોલમાં 89 રનની અણનમ ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. રઉફે એક છેડો સાચવી રાખી 19 બોલમાં અણનમ 7 રન બનાવી શાદાબને સ્ટ્રાઇક આપી હતી, જેના પરિણામે પાકિસ્તાને રોમાંચક વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો - Devdutt Padikkalએ ન્યૂઝીલેન્ડમાં મચાવ્યો હાહાકાર! 150 રન ફટકારી રચ્યો નવો રેકોર્ડ