ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા Aની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ઝારખંડના 21 વર્ષીય યુવા બેટ્સમેન શિખર મોહનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનાર આ યુવા ખેલાડીને તેની મહેનતનું ફળ મળ્યું છે. તે ન્યૂઝીલેન્ડ A સામેની છેલ્લી 2 ચાર દિવસીય મેચ માટે ભારતીય ટીમ સાથે જોડાશે.શિખર મોહનની પસંદગીથી ઝારખંડ ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ છે. રણજી ટ્રોફીથી લઈને દુલીપ ટ્રોફી અને ઈરાની કપ સુધી તેણે પોતાની બેટિંગની ક્ષમતા સાબિત કરી છે. હવે ન્યૂઝીલેન્ડની ધરતી પર તેને પોતાની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે.
રણજી ટ્રોફીમાં શિખર મોહનનો ધમાકો
શિખર મોહને રણજી ટ્રોફી 2025-26માં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 12 ઇનિંગ્સમાં 1 બેવડી સદીની મદદથી કુલ 613 રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.ચાલુ રણજી સિઝનમાં પણ શિખરનું બેટ જોરદાર રીતે ચાલી રહ્યું છે. શરૂઆતની 2 મેચમાં તેણે 99ની સરેરાશથી 297 રન બનાવ્યા છે. કેરળ સામે તેણે 143 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર સામેની મેચમાં તેણે પ્રથમ ઇનિંગ્સમાં 27 અને બીજી ઇનિંગ્સમાં 127 રન બનાવ્યા હતા.સતત રન બનાવવાની તેની ક્ષમતાને કારણે તેને ઇન્ડિયા Aની ટીમમાં સ્થાન મળ્યું છે. હવે ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં તે આ ફોર્મ જાળવી રાખવા ઇચ્છશે.
દુલીપ ટ્રોફી અને ઈરાની કપમાં પણ ચમક્યો
શિખર મોહનનું પ્રદર્શન માત્ર રણજી ટ્રોફી પૂરતું સીમિત રહ્યું નથી.સપ્ટેમ્બરમાં રમાયેલી દુલીપ ટ્રોફીની ફાઇનલમાં તેણે ઈસ્ટ ઝોન તરફથી રમતાં સાઉથ ઝોન સામે બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી.ત્યારબાદ ઓક્ટોબરમાં રમાયેલી ઈરાની કપની મેચમાં તેણે રેસ્ટ ઑફ ઇન્ડિયા તરફથી રમતાં જમ્મુ-કાશ્મીર સામે પ્રથમ ઇનિંગ્સમાં 60 રન બનાવ્યા હતા.વિવિધ સ્પર્ધાઓમાં સતત સારું પ્રદર્શન કરવાથી તેની પસંદગીનો માર્ગ સરળ બન્યો છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે શિખરને ન્યૂઝીલેન્ડ A સામે રમવાની તક મળે છે કે નહીં.ટીમમાં સ્થાન મળવું તેની કારકિર્દી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે, પરંતુ અંતિમ અગિયારમાં સ્થાન મેળવવા માટે તેણે રાહ જોવી પડી શકે છે.
https://x.com/Fancricket12/status/2113503879619068181?s=20
24 ઓક્ટોબરથી શરૂ થશે ભારત Aનો મુકાબલો
ભારત A અને ન્યૂઝીલેન્ડ A વચ્ચેની પ્રથમ ચાર દિવસીય મેચ 24 ઓક્ટોબરથી લિંકનમાં શરૂ થશે. ત્યારબાદ બીજી મેચ ક્રાઇસ્ટચર્ચ અને ત્રીજી મેચ ફરી લિંકનમાં રમાશે.આ પ્રવાસ ભારતીય ખેલાડીઓ માટે વિદેશી પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની સારી તક બની શકે છે. સિનિયર ભારતીય ટીમ પણ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે તૈયારી કરી રહી છે. ન્યૂઝીલેન્ડમાં રમવાથી ભારતીય ખેલાડીઓને ત્યાંની પીચ અને પરિસ્થિતિઓનો અનુભવ મળશે.આ ઉપરાંત, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈજાને કારણે શરૂઆતની 2 મેચમાંથી બહાર હોવાના અહેવાલને પગલે ટીમના ખેલાડીઓની જવાબદારી પણ વધી શકે છે.
ભારત Aની ટીમમાં કોણ-કોણ સામેલ?
ન્યૂઝીલેન્ડ A સામેની શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, આર. સ્મરણ, કુમાર કુશાગ્ર, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, આકિબ નબી, આકાશ દીપ, અંશુલ કંબોજ, માનવ સુથાર, મુકેશ ચૌધરી, સાઈ સુદર્શન, યશ રાઠોડ અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે. ધ્રુવ જુરેલને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે શિખર મોહન છેલ્લી 2 મેચ માટે ટીમ સાથે જોડાશે.
આ પણ વાંચો - Sourav Ganguly : 'દૂસરા' ફિલ્મ થશે રિલીઝ, દાદાને કોર્ટે આપ્યો ઝટકો, જાણો સૌરવ ગાંગુલીનો વિવાદ