ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 22 વર્ષની બોલર શ્રી ચરણીએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.એશિયા કપ અને એશિયન ગેમ્સમાં શાનદાર બોલિંગના કારણે ચરણીએ ICC T20I બોલિંગ રેન્કિંગમાં 817 રેટિંગ પોઇન્ટ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.આ સાથે તેમણે ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ બોલર મેગન શટનો લાંબા સમયથી ચાલતો રેકોર્ડ તોડી નાખ્યો છે. મેગન શટે T20I બોલિંગ રેન્કિંગમાં 806 રેટિંગ પોઇન્ટ મેળવ્યા હતા. હવે શ્રી ચરણી 817 પોઇન્ટ સાથે આ યાદીમાં સૌથી ઉપર પહોંચી ગઈ છે.
એશિયા કપમાં ચરણીએ મચાવ્યો ધમાલ
ભારતે 8મી વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.આ જીતમાં શ્રી ચરણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમણે કુલ 12 વિકેટ ઝડપી હતી.શ્રીલંકા સામે રમાયેલી ફાઇનલમાં પણ ચરણીએ શાનદાર બોલિંગ કરી હતી.તેમણે 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.તેમના આ પ્રદર્શનના કારણે ભારતે શ્રીલંકાને 72 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.આ ઉપરાંત ચરણીએ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I વિકેટ લેનારી ભારતીય મહિલા બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.આ વર્ષે અત્યાર સુધીમાં તેમના નામે 39 T20I વિકેટ નોંધાઈ છે.
https://x.com/ICC/status/2104844988081397814?s=20
એશિયન ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન
શ્રી ચરણીએ એશિયા કપ બાદ એશિયન ગેમ્સમાં પણ પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખી હતી. જાપાનમાં રમાયેલી સ્પર્ધામાં યજમાન જાપાન સામે તેમણે કારકિર્દીનું એક યાદગાર પ્રદર્શન કર્યું હતું.આ મુકાબલામાં ચરણીએ માત્ર 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેમના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.ત્યારબાદ શ્રીલંકા સામેના ગોલ્ડ મેડલ મુકાબલામાં પણ તેમણે 2 વિકેટ ઝડપી હતી. ભારતે આ મેચમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ચરણીએ સતત શાનદાર પ્રદર્શનથી બનાવ્યું સ્થાન
એશિયા કપ અને એશિયન ગેમ્સમાં સતત સારા પ્રદર્શનનો સીધો ફાયદો શ્રી ચરણીએ ICC રેન્કિંગમાં મેળવ્યો છે. 817 રેટિંગ પોઇન્ટ સાથે તેમણે મેગન શટનો લગભગ 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.ભારતીય મહિલા ક્રિકેટ માટે પણ આ મોટી સિદ્ધિ છે. માત્ર 22 વર્ષની ઉંમરે ચરણીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બોલિંગથી ખાસ ઓળખ બનાવી છે. હવે તેમની નજર આ ફોર્મને આગળ પણ જાળવી રાખવા અને ભારતીય ટીમ માટે વધુ મેચવિનિંગ પ્રદર્શન કરવા પર રહેશે.
આ પણ વાંચો - ODI વર્લ્ડ કપ 2027નું કાઉન્ટડાઉન શરૂ! 1 ઓક્ટોબરે કેપટાઉનમાં થશે શેડ્યૂલનું એલાન