વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી શરૂ થાય તે પહેલાં ભારતીય T20 ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે યુવા બેટર વૈભવ સૂર્યવંશીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અય્યરે વૈભવના વ્યક્તિત્વ અને તેની બેટિંગની આક્રમક શૈલીની પ્રશંસા કરતા કહ્યું કે મેદાનની બહાર શાંત અને શરમાળ દેખાતો આ યુવા ખેલાડી મેદાનમાં ઉતર્યા બાદ સંપૂર્ણપણે અલગ જોવા મળે છે.શ્રેયસ અય્યરના જણાવ્યા અનુસાર વૈભવમાં ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ પર લાંબા સમય સુધી રાજ કરવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતીય ટીમમાં અનુભવી અને વિશ્વ કપ વિજેતા ઓપનર્સ હાજર છે, પરંતુ યોગ્ય સમય આવતા વૈભવ પોતાની આગવી ઓળખ બનાવશે.

મેદાનની બહાર શાંત, મેદાનમાં આક્રમક

શ્રેયસ અય્યરે વૈભવ સૂર્યવંશીના સ્વભાવ વિશે રસપ્રદ વાત કરી.તેમણે જણાવ્યું કે મેદાનની બહાર વૈભવ ખૂબ જ શાંત અને શરમાળ સ્વભાવનો છે.ટીમના ખેલાડીઓ તેની સાથે ક્રિકેટ સિવાય તેની જીવનશૈલી અને પરિવાર વિશે વાત કરે છે, જેથી તે ટીમમાં વધુ સહજ અનુભવે.પરંતુ મેદાન પર ઉતર્યા બાદ વૈભવનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અય્યરના મતે તે વિરોધી બોલરો સામે અત્યંત આક્રમક બેટિંગ કરે છે અને તેની અંદર નિર્ભય ક્રિકેટ રમવાની ક્ષમતા છે.અય્યરે કહ્યું કે હાલમાં ટીમમાં અનુભવી ઓપનર્સ રમી રહ્યા છે, તેથી વૈભવને પોતાની તક માટે રાહ જોવી પડી શકે છે.પરંતુ યોગ્ય સમય આવતા તે ભારતીય ક્રિકેટમાં લાંબા સમય સુધી પોતાનું પ્રભુત્વ જાળવી શકે છે.

નિર્ભય ક્રિકેટ રમવા પર અય્યરનો ભાર

શ્રેયસ અય્યરે ભારતીય ટીમની બેટિંગ ફિલોસોફી વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે તેઓ ખેલાડીઓને વધુ સ્વતંત્ર અને નિર્ભય રીતે રમતા જોવા માગે છે.તેમના મતે જ્યારે ખેલાડીઓ પોતાના મનમાંથી ડર દૂર કરીને પોતાની કુદરતી રમત રમે છે, ત્યારે તેમની વાસ્તવિક ક્ષમતા બહાર આવે છે. ટીમમાં દરેક ખેલાડી એકબીજાની સાથે ઊભો છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપે છે.અય્યરનું માનવું છે કે ખેલાડીઓને પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટતા અને ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ મળે તો તેઓ વધુ સારી રીતે પ્રદર્શન કરી શકે છે.

પ્રથમ લક્ષ્ય શ્રેણી જીતવાનું

કપ્તાની અંગે વાત કરતા શ્રેયસ અય્યરે સ્પષ્ટ કર્યું કે તેમની પ્રથમ પ્રાથમિકતા વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી જીતવાની છે.તેમણે કહ્યું કે શરૂઆતની મેચોથી જ પ્લેઇંગ ઇલેવનમાં સતત ફેરફાર અને પ્રયોગ કરવામાં આવે તો ખેલાડીઓના મનમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ શકે છે. તેઓ એવું વાતાવરણ બનાવવા માગે છે જ્યાં ખેલાડીઓને પોતાની જગ્યાને લઈને વિશ્વાસ રહે અને તેઓ નિર્ભય બનીને રમી શકે.

પોતાની બેટિંગ અંગે શું કહ્યું?

પોતાની બેટિંગ વિશે વાત કરતાં અય્યરે કહ્યું કે તેઓ હંમેશા મેચની પરિસ્થિતિ પ્રમાણે રમવાનું પસંદ કરે છે.જો શરૂઆતની ઓવરોમાં વિકેટ પડી જાય તો તેઓ ઇનિંગ્સને સંભાળીને ટીમ માટે મજબૂત આધાર બનાવવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ જો ટીમને ઝડપી રનની જરૂર હોય તો તેઓ બોલરો પર દબાણ બનાવવાની ક્ષમતા ધરાવે છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી વૈભવ સૂર્યવંશી માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે. એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તેમની નજર T20 ટીમમાં પોતાની જગ્યા મજબૂત કરવા પર રહેશે. શ્રેયસ અય્યરના નિવેદનથી સ્પષ્ટ છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ વૈભવની પ્રતિભા અને ભવિષ્યની ક્ષમતાને લઈને ખૂબ આશાવાદી છે.

આ પણ વાંચો - Virat Kohliએ ડ્રિંક્સ બ્રેકમા જયસ્વાલ સાથે આ શું કર્યું, જુઓ વાયરલ VIDEO