ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને 406 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો. આ મેચમાં કેપ્ટન શુભમન ગિલે 223 રનની અણનમ ઇનિંગ રમીને બધાનું ધ્યાન ખેંચ્યું. જોકે મેચ બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરનું ધ્યાન ગિલની બેટિંગ કરતાં તેની કેપ્ટનશિપની એક ખાસ બાબત પર વધુ રહ્યું.ગૌતમ ગંભીરના મતે,શુભમન ગિલ ધીમે-ધીમે એવા કેપ્ટન તરીકે આગળ વધી રહ્યો છે જે પોતાના બોલરોને સારી રીતે સમજે છે અને તેમનો વિશ્વાસ જીતે છે. ગંભીરનું માનવું છે કે કેપ્ટન તરીકેની જવાબદારી મળ્યા બાદ ગિલના રમતમાં પણ સુધારો જોવા મળ્યો છે.

ગિલ હવે બોલરોનો કેપ્ટન બની રહ્યો છે

ગૌતમ ગંભીરના જણાવ્યા અનુસાર શુભમન ગિલ માત્ર પોતાની બેટિંગ પર ધ્યાન આપતો કેપ્ટન નથી.તે હવે ટીમના બોલરોને સમજવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.ગંભીરના મતે,એક કેપ્ટન માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે મેદાન પર બોલરો માટે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હોઈ શકે છે.ગિલને ડેબ્યૂથી જ બેટિંગમાં મોટી જવાબદારી મળી છે, પરંતુ હવે તે સફેદ બોલ ક્રિકેટની સાથે લાલ બોલ ક્રિકેટમાં પણ પોતાની ભૂમિકા મજબૂત કરી રહ્યો છે.ગંભીરના જણાવ્યા પ્રમાણે ડ્રેસિંગ રૂમમાં ગિલને સાથી ખેલાડીઓનું સન્માન મળે છે અને ટીમના ખેલાડીઓ તેની વાત પણ સાંભળે છે.કેપ્ટન માટે ટીમનો વિશ્વાસ જીતવો ખૂબ મહત્વનો હોય છે. ગંભીરના મતે ગિલ આ દિશામાં સતત આગળ વધી રહ્યો છે અને તેની કેપ્ટનશિપમાં ધીમે-ધીમે પરિપક્વતા જોવા મળી રહી છે.

યુવા બોલરોને તક આપવાનો ગંભીરનો બચાવ

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODIમાં ભારતે યુવા ઝડપી બોલરો ઔકિબ નબી અને ગુરનૂર બરાડને તક આપી હતી. બંને બોલરો માટે આ મેચ સરળ રહી નહોતી. તેમ છતાં ગંભીરને યુવા ખેલાડીઓને આ પ્રકારની મોટી મેચમાં ઉતારવાના નિર્ણયમાં કોઈ ખામી દેખાતી નથી.ગંભીરનું કહેવું છે કે 2027ના ODI વર્લ્ડ કપની તૈયારી માત્ર સરળ મેચોમાં યુવા ખેલાડીઓને તક આપીને થઈ શકે નહીં. યુવા બોલરોને દબાણવાળી પરિસ્થિતિમાં પણ રમવાનો અનુભવ મળવો જરૂરી છે.ગુરનૂરે 10 ઓવરમાં 96 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ઔકિબ નબીએ પોતાની ODI કારકિર્દીની શરૂઆત કરી અને 8.5 ઓવરમાં 84 રન આપ્યા. આ આંકડા ભલે બોલરો માટે સારા ન રહ્યા હોય, પરંતુ ગંભીરના મતે આવી મેચો યુવા ખેલાડીઓને ભવિષ્ય માટે મહત્વનો અનુભવ આપે છે.

ગૌહાટી પીચ અંગે ગંભીરની ચિંતા

મેચમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમોએ 400થી વધુ રન બનાવ્યા હતા. આ દરમિયાન ગૌહાટીની પીચને લઈને પણ ગૌતમ ગંભીરની ચિંતા સામે આવી.ગંભીરે કહ્યું કે ક્રિકેટમાં બેટ અને બોલ વચ્ચે થોડો વધુ સંતુલિત મુકાબલો હોવો જોઈએ. તેમના મતે કોઈ બોલરના પ્રદર્શનનું મૂલ્યાંકન માત્ર તેણે કેટલા રન આપ્યા અથવા કેટલી વિકેટ લીધી તેના આધારે ન થવું જોઈએ.બોલરે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની યોજના કેટલી સારી રીતે અમલમાં મૂકી, તે પણ જોવું જોઈએ. ખાસ કરીને જ્યારે પીચ બેટિંગ માટે અનુકૂળ હોય ત્યારે બોલરો માટે પડકાર વધુ વધી જાય છે.

ભારતે સીરિઝમાં બનાવી 2-0ની લીડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODIમાં 406 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ભારતે શાનદાર જીત મેળવી હતી. શુભમન ગિલની અણનમ 223 રનની ઇનિંગ ભારતની જીતમાં સૌથી મોટો આધાર બની હતી.આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની ODI સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમની નજર સીરિઝમાં ક્લીન સ્વીપ પર રહેશે.

આ પણ વાંચો - IND vs PAK Final : એશિયન ગેમ્સમા ભારત-પાક.વચ્ચે 'નો હેન્ડશેક'યથવાત રહેશે? જાણો નિયમ