ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે આગામી ટેસ્ટ સીરિઝ માટે ટીમની તૈયારીને લઈને BCCI સમક્ષ મહત્વપૂર્ણ સૂચન કર્યું છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે ટોચના 2માં સ્થાન મેળવવું જરૂરી છે.હાલમાં ટીમ પોઇન્ટ્સ ટેબલમાં 5મા સ્થાને છે.આવી સ્થિતિમાં હવે ભારત માટે આગામી દરેક ટેસ્ટ મેચનું મહત્વ વધી ગયું છે.

ભારતીય ટીમે આગામી ટેસ્ટ પર નજર 

WTC ફાઇનલની દોડમાં આગળ વધવા માટે ભારતીય ટીમે આગામી ટેસ્ટ મેચમાં સતત સારો દેખાવ કરવો પડશે.જોકે માત્ર મેચ જીતવી પૂરતી નહીં હોય.ટીમે છેલ્લા કેટલાક સમયથી જે નબળાઈનો સામનો કર્યો છે તેને પણ દૂર કરવી પડશે.ભારતીય બેટરો માટે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પિન બોલિંગનો સામનો કરવો મોટો પડકાર બન્યો છે.એક સમયે સ્પિન સામે ભારતીય બેટિંગ ટીમની મજબૂતાઈ માનવામાં આવતી હતી,પરંતુ તાજેતરના વર્ષોમાં ભારતીય બેટરો સ્પિનને અનુકૂળ પિચ પર મુશ્કેલીમાં મુકાતા જોવા મળ્યા છે.હવે શુભમન ગિલ આ નબળાઈને દૂર કરવા માટે ખાસ તૈયારી કરાવવા માગે છે.

Shubman Gill

WTC ફાઇનલની રાહ સરળ બનાવશે ગિલની સલાહ

ભારતીય ટીમના આગામી 7-8 ટેસ્ટ WTC ફાઇનલની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.આમાંથી 5 ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ભાગરૂપે રમાવાની છે અને આ શ્રેણી ભારતની ઘરઆંગણે યોજાવાની છે.ઘરઆંગણે રમાતી ટેસ્ટ સીરિઝમાં ભારતને લાભ મળવાની આશા રહે છે.પરંતુ સ્પિનને અનુકૂળ ભારતીય પિચ પર છેલ્લા કેટલાક વર્ષોમાં બેટરોના પ્રદર્શનને જોતા ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માગતું નથી.શુભમન ગિલનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટની શ્રેણી પહેલાં ભારતીય બેટરોને સ્પિન સામે વધુ સારી તૈયારી કરાવવી જરૂરી છે. જો ભારત ઓસ્ટ્રેલિયા સામે આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરે તો WTC ફાઇનલમાં પહોંચવાની તેની આશા ઘણી મજબૂત બની શકે છે.

ગિલે BCCIને શું સલાહ આપી?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ,શુભમન ગિલે BCCIને સૂચન કર્યું છે કે કેટલાક ભારતીય બેટરોને ઓસ્ટ્રેલિયા-A સામેની મેચોમાં રમવાની તક આપવામાં આવે.આ સાથે આ મેચો માટે એવી પિચ તૈયાર કરવાની સલાહ પણ આપવામાં આવી છે જેમાં થોડો ટર્ન જોવા મળે.આવી પરિસ્થિતિમાં ભારતીય બેટરોને સ્પિન સામે બેટિંગ કરવાની સારી પ્રેક્ટિસ મળી શકે છે.ખાસ કરીને ઘરઆંગણે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં આ પ્રકારની તૈયારી ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.છેલ્લા 2 વર્ષ દરમિયાન સ્પિનને મદદ કરતી ઘરઆંગણાની પિચ પર ભારતીય બેટરો સંઘર્ષ કરતા જોવા મળ્યા છે.તેથી ગિલે ઓસ્ટ્રેલિયા-A સામેની મેચનો ઉપયોગ તૈયારી માટે કરવાની વાત કરી છે.જોકે BCCI ઓસ્ટ્રેલિયા-A સામેની મેચ માટે સંપૂર્ણપણે સ્પિનને અનુકૂળ પિચ તૈયાર નહીં કરે.તેના બદલે એવી પિચ તૈયાર કરી શકાય છે જ્યાં મેચ આગળ વધે તેમ થોડો ટર્ન મળતો રહે.આથી ભારતીય બેટરોને પડકારજનક પરિસ્થિતિમાં બેટિંગ કરવાનો અનુભવ મળશે.

Shubman Gill

ગિલની સલાહ સામે શું છે મુશ્કેલી?

શુભમન ગિલના સૂચનને અમલમાં મૂકવામાં એક મોટો પડકાર પણ છે.BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર,ઇરાની ટ્રોફીના કારણે ઘણા ટેસ્ટ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા-A સામે રમવા માટે ઉપલબ્ધ નહીં હોય.જો કેટલાક મુખ્ય ટેસ્ટ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા-A સામે રમાડવામાં આવે તો ઇરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ પર તેની અસર પડી શકે છે. પરિણામે ઇરાની ટ્રોફીની ટીમ નબળી પડી શકે છે અને મેચની ગુણવત્તા પર પણ અસર થવાની શક્યતા છે.આ કારણે BCCI માટે ગિલની સલાહને અમલમાં મૂકવી સરળ નથી. તેમ છતાં WTC ફાઇનલ અને ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ યોગ્ય વિકલ્પ શોધી શકે છે. ભારતીય બેટરો સ્પિન સામે પોતાની નબળાઈ દૂર કરવામાં સફળ રહે છે કે નહીં તે આગામી ટેસ્ટ સીરિઝઓમાં જોવા મળશે.

આ પણ વાંચો - Team Indiaમાં ફિટનેસ મુદ્દે BCCI આકરા પાણીએ, હવે ખેલાડીઓને ફિટ જાહેર કરતા પહેલાં થશે ‘ડબલ ચેકિંગ’