ભારતીય મૂળના ક્રિકેટર સિમરનજીત સિંહ એટલે કે સિમિ સિંહે 30 સપ્ટેમ્બર 2026ના રોજ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.5 વર્ષથી વધુ સમય સુધી આયર્લેન્ડનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કરનાર સિમિ સિંહની સફર સંઘર્ષ,સફળતા અને જીવન માટેની મોટી લડાઈથી ભરેલી રહી છે.2006માં ભારતથી આયર્લેન્ડ પહોંચેલા સિમિ સિંહે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ તેઓ આ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. તેઓ હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ અને કામના હેતુથી આયર્લેન્ડ ગયા હતા.જોકે,ત્યાં ક્રિકેટે તેમની જિંદગીની દિશા બદલી નાખી.સિમિ સિંહે આયર્લેન્ડ માટે 35 ODI અને 53 T20I મેચ રમી.ODIમાં તેમણે 39 વિકેટ સાથે 593 રન બનાવ્યા,જ્યારે T20Iમાં તેમના નામે 44 વિકેટ અને 296 રન નોંધાયા.

ક્રિકેટમાં યાદગાર સિદ્ધિઓ

સિમિ સિંહે પોતાના કરિયરમાં T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો. દક્ષિણ આફ્રિકા સામે નંબર 8 પર બેટિંગ કરતાં તેમણે શાનદાર સદી ફટકારી હતી. આ ઉપરાંત UAE સામે 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ તેમના નામે છે.ODI ક્રિકેટમાં તેમની ઇકોનોમી રેટ 3.99 રહી હતી. સિમિના જણાવ્યા અનુસાર આયર્લેન્ડ માટે વર્લ્ડ કપ રમવો, દક્ષિણ આફ્રિકા સામે નંબર 8 પર સદી ફટકારવી અને 5 વિકેટ લેવી તેમના કરિયરની સૌથી ખાસ યાદોમાં સામેલ છે.ભારત છોડતી વખતે ક્રિકેટ તેમના મનમાં મુખ્ય બાબત નહોતી. પરંતુ આયર્લેન્ડ પહોંચ્યા બાદ ક્રિકેટ તેમના જીવનનો મહત્વનો ભાગ બની ગયું અને તેમને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી.

2024માં અચાનક બદલાઈ ગઈ જિંદગી

સિમિ સિંહનું ક્રિકેટ કરિયર 2024માં અચાનક અટકી ગયું.તેમને લાંબા સમય સુધી રહેનારા તાવ જેવી ગંભીર તકલીફ થઈ.આયર્લેન્ડમાં સારવાર દરમિયાન બીમારીનું ચોક્કસ કારણ શોધી શકાયું નહીં અને તેમની તબિયત સતત બગડતી ગઈ.ત્યારબાદ તેઓ ભારત પરત આવ્યા.અહીં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ એક્યુટ લિવર ફેલ્યોર જેવી ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા.તેમની સારવાર માટે લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી.આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની અગમદીપ કૌર તેમના માટે સૌથી મોટો આધાર બની.તેમણે પોતાના લિવરનો એક ભાગ દાન કર્યો અને સિમિ સિંહના જીવનને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.સિમિ સિંહ પોતાની પત્નીને પોતાની ‘ગાર્ડિયન એન્જલ’ ગણાવે છે.તેમના જણાવ્યા પ્રમાણે,તેમની પત્નીએ તેમને નવી જિંદગી આપી.પરિવાર માટે પણ આ સમય ખૂબ મુશ્કેલ રહ્યો હતો.

બીમારી બાદ ક્રિકેટમાં વાપસી મુશ્કેલ બની

લાંબી સારવાર અને રિકવરીના કારણે સિમિ સિંહ માટે પ્રોફેશનલ ક્રિકેટમાં પરત ફરવું સરળ રહ્યું નહીં.ધીમે-ધીમે તેઓ પસંદગીની દોડથી પણ દૂર થતા ગયા.સિમિના જણાવ્યા પ્રમાણે, ક્રિકેટ આયર્લેન્ડમાં તેમના નિવૃત્તિના નિર્ણયથી કોઈને ખાસ આશ્ચર્ય થયું નહોતું. રિકવરી દરમિયાન પ્રોફેશનલ ક્રિકેટ રમવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું. તેથી તેમણે યોગ્ય સમયે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો.

ભારતથી આયર્લેન્ડ સુધીની સફર

સિમિ સિંહે ભારતમાં પંજાબ તરફથી અંડર-14 અને અંડર-17 સ્તરે ક્રિકેટ રમી હતી. જોકે, તેમને ભારતમાં પોતાની અપેક્ષા મુજબની સફળતા મળી નહોતી.ત્યારબાદ 2006માં તેઓ આયર્લેન્ડ ગયા.આયર્લેન્ડમાં પણ શરૂઆત સરળ નહોતી. ક્રિકેટની સાથે તેમણે અન્ય નોકરીઓ કરી અને પોતાની પ્રોફેશનલ લાયકાત પણ મેળવી. તેમણે ECBનું લેવલ-2 કોચિંગ ક્વોલિફિકેશન અને પર્સનલ ટ્રેનરની સર્ટિફિકેશન પણ મેળવી.

હવે કોચિંગમાં બનાવશે નવી ઓળખ

ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ સિમિ સિંહ હવે કોચિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. તેમણે મોહાલીમાં પોતાની ક્રિકેટ અકાદમી શરૂ કરી છે. જોકે, હાલ તેમનું મુખ્ય ધ્યાન સંપૂર્ણ રિકવરી પર છે.સિમિ સિંહ ECB લેવલ-3 કોચિંગ કોર્સ કરવાની પણ વિચારણા કરી રહ્યા છે. ભવિષ્યમાં તેઓ પોતાના અનુભવનો ઉપયોગ યુવા ક્રિકેટરોને તૈયાર કરવામાં કરવા માંગે છે.ભારતથી અધૂરા ક્રિકેટ સપનાની સાથે આયર્લેન્ડ ગયેલા સિમિ સિંહે ત્યાં પોતાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું સપનું પૂરું કર્યું. ત્યારબાદ ગંભીર બીમારીએ તેમની ક્રિકેટ કારકિર્દી અટકાવી દીધી, પરંતુ પરિવારના સાથથી તેમને જીવનની નવી તક મળી. હવે તેઓ ક્રિકેટ દ્વારા આગામી પેઢીને તૈયાર કરવાની દિશામાં આગળ વધવા માંગે છે.

આ પણ વાંચો - ODI World Cup 2027: સુપર-7માં 7મી ટીમ કેવી રીતે નક્કી થશે? ICCના નવા ફોર્મેટને સમજો