ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના ફરી એકવાર ઇતિહાસ રચવાની નજીક છે.ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે આજે બીજી વનડે મેચ વડોદરામાં રમાવાની છે.આ મુકાબલામાં સ્મૃતિ મંધાના પાસે વિશ્વવિક્રમની બરાબરી કરવાની શાનદાર તક છે. જો તે આ મેચમાં સદી ફટકારવામાં સફળ રહેશે, તો મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટરોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી શકે છે.મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે. અગાઉની મેચમાં ભારતીય ટીમે 9 વિકેટે શાનદાર જીત મેળવી હતી.જોકે, સ્મૃતિ મંધાના 32 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હવે બીજી મેચમાં તેની બેટિંગ પર ચાહકોની ખાસ નજર રહેશે.
સ્મૃતિ મંધાના પાસે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની તક
સ્મૃતિ મંધાનાએ પોતાની વનડે કારકિર્દીમાં અત્યાર સુધી 14 સદી ફટકારી છે. મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની પૂર્વ ક્રિકેટર મેગ લેનિંગના નામે છે, જેમણે 15 સદી નોંધાવી છે.જો સ્મૃતિ ઝિમ્બાબ્વે સામેની બીજી વનડેમાં સદી ફટકારે છે, તો તે મેગ લેનિંગના રેકોર્ડની બરાબરી કરી લેશે. આ સિદ્ધિ તેની કારકિર્દી માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ બેટરોમાંની એક છે. તેની આક્રમક બેટિંગ અને લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતાએ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવી ઓળખ અપાવી છે.

