બાંગ્લાદેશના ઢાકામાં રમાયેલા મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ફાઇનલ મુકાબલો વરસાદને કારણે રદ થયો હતો.જોકે, ફાઇનલમાં ટોસ પણ થઈ શક્યો ન હોવા છતાં ટુર્નામેન્ટના આયોજકોએ વધુ સારા નેટ રન રેટના આધારે પાકિસ્તાનને ચેમ્પિયન જાહેર કર્યું હતું.આ નિર્ણયથી નારાજ ભારતીય ટીમે ટ્રોફી સેરેમનીનો બહિષ્કાર કર્યો હતો.ભારતીય ક્રિકેટ એસોસિએશને ભવિષ્યમાં પાકિસ્તાન સામે મેચ નહીં રમવાની ચીમકી પણ આપી છે.
નેટ રન રેટના આધારે પાકિસ્તાનને વિજેતા જાહેર કરાતાં વિવાદ
શુક્રવારે ઢાકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ 2026ની ફાઇનલ રમાવાની હતી.સતત વરસાદને કારણે મેદાન પર મેચ શરૂ થવી તો દૂર, ટોસ પણ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં ટુર્નામેન્ટના આયોજકોએ પાકિસ્તાનનો નેટ રન રેટ ભારત કરતાં સારો હોવાના આધારે તેને વિજેતા જાહેર કર્યું હતું. જ્યારે ભારતીય ટીમને રનર અપ જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણય સામે ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય ટીમનું કહેવું છે કે નેટ રન રેટના આધારે લીગ કે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટીમોની રેન્કિંગ નક્કી કરી શકાય,પરંતુ વરસાદને કારણે રદ થયેલી ફાઇનલમાં ચેમ્પિયન નક્કી કરવા માટે આ માપદંડનો ઉપયોગ કરી શકાય નહીં.
https://x.com/blind_cricket/status/2123733166146109856?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123733166146109856%7Ctwgr%5E8614ab1b8e52e75de92caf63b65ed1bad73b3169%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fcricket%2Fstory%2Findia-boycotts-blind-cricket-asia-cup-trophy-ceremony-pakistan-declared-winners-bmsp-dskc-2701579-2026-11-20
વિવાદનું સમાધાન નહીં આવે તો પાકિસ્તાન સામે નહીં રમે
ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI)ના સચિવ શૈલેન્દ્ર યાદવે 'ઇન્ડિયા ટુડે' સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભારતીય ટીમ ભવિષ્યમાં પાકિસ્તાન સામે રમશે નહીં.વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ (WBCC)ના પ્રમુખ અને પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલના વડા સુલતાન શાહે કથિત રીતે WBCCની ટેકનિકલ કમિટીના નિર્ણયને બદલી નાખ્યો હતો. ટેકનિકલ કમિટીએ ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવા સહમતિ દર્શાવી હતી. જોકે, ત્યારબાદ મેચ રેફરીને પાકિસ્તાનને ચેમ્પિયન જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સમયે પાકિસ્તાનનો નેટ રન રેટ ભારત કરતાં સારો હતો.
ફાઇનલ માટે રિઝર્વ ડે કેમ ન રાખ્યો? ભારતીય અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ
ભારતીય ટીમના અધિકારીઓએ ટુર્નામેન્ટના નિયમો અને તેના અર્થઘટન સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.તેમનું કહેવું હતું કે જો વરસાદને કારણે ફાઇનલ મેચ રદ થાય તો વિજેતા નક્કી કરવા માટે નેટ રન રેટનો ઉપયોગ કરવાનો કોઈ સ્પષ્ટ નિયમ હોવો જોઈએ.જો આવો નિયમ ન હોય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવી જોઈએ.ભારતીય અધિકારીએ ફાઇનલ માટે રિઝર્વ ડે ન રાખવા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.તેમના મતે,સામાન્ય રીતે ક્રિકેટની ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવે છે. જો કોઈ કારણસર મેચ રમવી શક્ય ન બને તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાનો વિકલ્પ હોય છે. ફાઇનલ જેવી મહત્વની મેચમાં નેટ રન રેટના આધારે ચેમ્પિયન નક્કી કરવો યોગ્ય નથી.તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રમવાની શરતોમાં કરવામાં આવેલા ફેરફારો અંગે ટીમોને આપવામાં આવેલા દસ્તાવેજોમાં સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.કેપ્ટનોની બેઠકમાં પણ આ મુદ્દે કોઈ ચર્ચા થઈ નહોતી.
ભારતીય ખેલાડીઓએ પણ નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ
ભારતીય ખેલાડીઓના જણાવ્યા પ્રમાણે,ફાઇનલ દરમિયાન જ તેમને જાણ કરવામાં આવી હતી કે પાકિસ્તાનને વધુ સારા નેટ રન રેટના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવશે અને ભારતને બીજા સ્થાને રાખવામાં આવશે.આ નિર્ણયની જાણ થતાં જ ભારતીય ટીમે વાંધો ઉઠાવ્યો હતો.ખેલાડીઓનું કહેવું હતું કે તેઓ ઇચ્છતા હતા કે ખિતાબનો નિર્ણય મેદાન પર રમાયેલી મેચના આધારે થાય.અગાઉ આવી પરિસ્થિતિઓમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હોવાના દાખલા પણ છે.તેથી આ વખતે લેવાયેલો નિર્ણય અયોગ્ય છે.ભારતીય ખેલાડીઓએ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન સામે ભવિષ્યમાં રમવું કે નહીં તેનો અંતિમ નિર્ણય CABI લેશે.જો એસોસિએશન મંજૂરી આપશે તો તેઓ રમવા તૈયાર છે, અન્યથા પાકિસ્તાન સામેની આગામી મેચોમાં ભાગ લેશે નહીં.હાલમાં પાકિસ્તાનને ચેમ્પિયન જાહેર કરવાના નિર્ણયના વિરોધમાં ભારતીય ટીમે ટ્રોફી વિતરણ સમારોહથી અંતર જાળવ્યું હતું. વરસાદને કારણે રદ થયેલી એક ફાઇનલ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના બ્લાઇન્ડ ક્રિકેટ સંબંધોમાં પણ તણાવનું કારણ બની છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: જો દિલજીત દોસાંજના કોન્સર્ટમાં આ 4 ગીતો રજૂ થતાં તો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચશે