પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.અમદાવાદમાં 21 નવેમ્બરે યોજાનારા તેમના લાઇવ કોન્સર્ટ પહેલાં જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખીને કેટલીક પાબંદીઓ લગાવવાની માગ કરી છે.અધિકારીએ દિલજીતને દારૂ,નશા અને હિંસાને પ્રોત્સાહન આપતાં ચાર ગીતો ન ગાવા માટે કહ્યું છે.પોલીસ કમિશનરને લખેલા પત્રમાં ખાસ ચાર ગીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તેમાં પટિયાલા પેગ, 5 તારા ઠેકે, જેબ વિચો ફીમ અને જટ્ટ ફાયર કરદાનો સમાવેશ થાય છે.બાળ સંરક્ષણ અધિકારીનું કહેવું છે કે આ ગીતોના શબ્દોમાં દારૂ,અફીણ,નશીલા પદાર્થો અને હથિયારોનો ઉલ્લેખ છે.જેની બાળકો અને યુવાનો પર નકારાત્મક અસર પડી શકે છે.આ ગીતો બદલાયેલા શબ્દો સાથે ન ગાવા જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નરે મોટેરા પોલીસને તપાસ સોંપી હતી
આ ઉપરાંત કોન્સર્ટ દરમિયાન મોટા અવાજે સંગીત,ઝગમગતી લાઇટ્સ અને બાળકોને સ્ટેજ પર બોલાવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ શહેરમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા ચંદીગઢથી પ્રોફેસર ડો. પંડિતરાવ અમદાવાદ આવ્યા છે. તેમણે દિલજીતના ચાર ગીતોને લઈને બાળ સંરક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસ કમિશ્નરે મોટેરા પોલીસને તપાસ સોંપી હતી. મોટેરા પોલીસે ફરિયાદ કરનારા પ્રોફેસરને જવાબ માટે બોલાવ્યા હતાં. પ્રોફેસરે પોલીસને કહ્યું હતું કે, દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ચાર ગીતો અને અન્ય બાબતોનું પાલન નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં તેના વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવશે.
