ભારતીય ક્રિકેટ ટીમના સતત વ્યસ્ત કાર્યક્રમને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા સતત એક પછી એક શ્રેણી અને ટૂર્નામેન્ટ રમી રહી છે. તેના કારણે ખેલાડીઓના આરામ અને વર્કલોડને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCના ક્રિકેટ કાર્યક્રમને લઈને મોટો સવાલ ઉઠાવ્યો છે.તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIની બેઠકમાં ટીમ ઈન્ડિયાના આગામી ફ્યુચર ટૂર પ્રોગ્રામમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ ખેલાડીઓને પૂરતો આરામ આપવાનો છે. આ નિર્ણય વચ્ચે ગાવસ્કરે ICCને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું કાર્યક્રમ વધુ યોગ્ય રીતે તૈયાર કરવાની અપીલ કરી છે.
‘ભારતીય ખેલાડીઓ મશીન નથી’
સુનીલ ગાવસ્કરે પોતાના લેખમાં ભારતીય ખેલાડીઓના સતત વ્યસ્ત કાર્યક્રમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે ભારતીય ક્રિકેટરો મશીન નથી કે સતત તેમની પાસેથી કામ લેવામાં આવે.તેમણે ખેલાડીઓની સરખામણી શેરડી સાથે કરતા સવાલ કર્યો કે તેમની પાસેથી રસનું દરેક ટીપું કાઢવાની કોશિશ ક્યાં સુધી કરવામાં આવશે?ગાવસ્કરના મતે 2027થી શરૂ થનારા આગામી 4 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમની ચર્ચા જ્યારે ICCમાં થશે ત્યારે નિર્ણય લેનારાઓએ ખેલાડીઓના આરામ અને તેમના સ્વાસ્થ્યને પણ ગંભીરતાથી ધ્યાનમાં લેવું જોઈએ.છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ સતત ક્રિકેટ રમી રહી છે. તેના કારણે કેટલાક મહત્વના ખેલાડીઓ ઈજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ટીમના મુખ્ય ખેલાડીઓની ઈજા ભારતીય ટીમના સંચાલન માટે ચિંતાનો વિષય બની છે.
વર્કલોડ મેનેજમેન્ટ પર પણ ચિંતા
ગાવસ્કરે ભારતીય ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે.તેમના મતે ભારતીય ક્રિકેટ માત્ર આંતરરાષ્ટ્રીય ટીમ સુધી મર્યાદિત નથી.ભારતીય ક્રિકેટની મજબૂતી માટે ઘરેલુ ક્રિકેટને પણ એટલું જ મહત્વ આપવું જરૂરી છે.તેમણે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ સમગ્ર ભારતીય ક્રિકેટ વ્યવસ્થાનું પરિણામ છે. તેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે ઘરેલુ ક્રિકેટને પણ યોગ્ય સમય અને મહત્વ મળવું જોઈએ.
ભારત એક સાથે 3 મજબૂત ટીમો મેદાનમાં ઉતારી શકે છે.
ભારત પાસે મોટી બેન્ચ સ્ટ્રેન્થ હોવાની ઘણી વખત ચર્ચા થાય છે.એવું પણ કહેવામાં આવે છે કે ભારત એક સાથે 3 મજબૂત ટીમો મેદાનમાં ઉતારી શકે છે.જોકે ગાવસ્કર આ વાત સાથે સંપૂર્ણપણે સહમત દેખાતા નથી.તેમના મતે આ પ્રકારનો દાવો સાંભળવામાં સારો લાગે છે, પરંતુ તાજેતરના પરિણામો બતાવે છે કે હાલમાં ભારતની એક ટીમ પણ દરેક મોટી ટ્રોફી જીતવા માટે પૂરતી મજબૂત નથી.ગાવસ્કરે એ પણ કહ્યું કે એશિયન ગેમ્સમાં મળેલી સફળતા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારી શકે છે અને ટીમને નવી ઊર્જા આપી શકે છે. જોકે લાંબા ગાળે ભારતની ક્રિકેટ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઘરેલુ ક્રિકેટને પ્રાથમિકતા આપવી જરૂરી છે.તેમના મતે જો ઘરેલુ ક્રિકેટને પૂરતું મહત્વ નહીં મળે તો ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને સફળતા અપાવી શકે તેવા ખેલાડીઓ તૈયાર કરવામાં મુશ્કેલી પડી શકે છે.હવે જોવાનું એ રહેશે કે ICC આગામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમ બનાવતી વખતે ખેલાડીઓના વર્કલોડ અને આરામને કેટલું મહત્વ આપે છે.
આ પણ વાંચો - Mohammed Sirajની બોલિંગમાંથી સ્વિંગ ગાયબ! દુલીપ ટ્રોફી બાદ તોડ્યું મૌન!