ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ માટે વર્ષ 2026 ઘણી યાદગાર ક્ષણો લઈને આવ્યું હતું. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જોકે, વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સૂર્યકુમાર માટે સમય બદલાઈ ગયો. એક તરફ ટીમ ઈન્ડિયાની સફળતાનો આનંદ હતો, તો બીજી તરફ તેમને ટીમમાંથી બહાર થવાનો મોટો આઘાત સહન કરવો પડ્યો હતો. હવે સૂર્યકુમારે પહેલીવાર પોતાના મુશ્કેલ સમય વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે ટીમમાંથી બહાર થયા બાદ શરૂઆતના 2 મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા હતા. જોકે, આ મુશ્કેલ સમયમાં પરિવાર અને ખાસ કરીને દીકરીના જન્મે તેમના જીવનમાં નવી ખુશીઓ ભરી દીધી હતી.
ટીમમાંથી બહાર થવું સૂર્યા માટે મોટો આઘાત
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમમાં સ્થાન ન મળવું સૂર્યકુમાર યાદવ માટે સરળ નહોતું. T20 મુંબઈ લીગના 'સેલિબ્રેશન ઓફ ચેમ્પિયન્સ' કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના આ મુશ્કેલ સમય વિશે વાત કરી હતી.સૂર્યાએ સ્વીકાર્યું કે વર્લ્ડ કપ જીત્યા પછીનો સમય તેમના માટે થોડો મુશ્કેલ રહ્યો હતો. તેમણે કહ્યું કે ટીમનો હિસ્સો ન હોવું ખૂબ જ મુશ્કેલ છે. જો વ્યક્તિ પોતાની જાત સાથે પ્રમાણિક ન હોય તો ખુશહાલ જીવન જીવવું પણ મુશ્કેલ બની જાય છે.સૂર્યાના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા મેળવ્યા બાદ પણ ટીમમાંથી બહાર થવું તેમના માટે માનસિક રીતે પડકારજનક રહ્યું હતું.
દીકરીના જન્મે જીવનમાં ભરી નવી ખુશીઓ
સૂર્યકુમારના મુશ્કેલ સમય દરમિયાન તેમના પરિવારમાં એક મોટી ખુશી આવી. IPL દરમિયાન મે મહિનામાં તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. આ ખુશી બાદ સૂર્યાનું સંપૂર્ણ ધ્યાન પરિવાર તરફ વળ્યું હતું.તેમણે જણાવ્યું કે દીકરીના જન્મ પછીના છેલ્લા કેટલાક મહિના તેમના માટે ખૂબ સુંદર રહ્યા છે. શરૂઆતના 2 મહિના મુશ્કેલ હતા, પરંતુ ત્યારબાદ તેમણે પોતાની વિચારસરણી બદલવાનો નિર્ણય કર્યો.સૂર્યાએ ફરી એ જ રીતે વિચારવાનું શરૂ કર્યું, જે રીતે તેમણે ક્રિકેટની શરૂઆતના દિવસોમાં વિચાર્યું હતું.
મુંબઈથી ક્રિકેટની શરૂઆત, ફરી એ જ જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે
સૂર્યકુમાર યાદવે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆતના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે જ્યારે તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમનું સપનું માત્ર મુંબઈ માટે એજ ગ્રુપ ક્રિકેટ રમવાનું હતું. ત્યારબાદ મુંબઈની ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું તેમનું લક્ષ્ય હતું.હવે તેઓ ફરી એ જ જૂના જુસ્સા અને વિચારસરણી સાથે ક્રિકેટ રમવા માગે છે. તેમના માટે હાલમાં સૌથી મહત્વની બાબત પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની કમાન સંભાળશે
હવે સૂર્યકુમાર યાદવ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ તેમના માટે પોતાની લય પાછી મેળવવાની મહત્વપૂર્ણ તક બની શકે છે.સૂર્યકુમાર છેલ્લે 8 માર્ચ 2026ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા હતા. આ મેચમાં ભારતે 96 રનથી જીત મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.હવે સ્થાનિક ક્રિકેટમાં સૂર્યાનું પ્રદર્શન કેવું રહે છે અને શું તેઓ ફરી ભારતીય ટીમમાં વાપસી કરવામાં સફળ થાય છે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો - PAK vs SL : લાહોરમાં સ્મોગનો કહેર! પાકિસ્તાન-શ્રીલંકાની બીજી ટેસ્ટનું સ્થળ બદલાયું