ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ હવે ક્રિકેટની સાથે બેઝબોલમાં પણ પોતાની પ્રતિભા બતાવતા જોવા મળ્યા છે. અમેરિકાની મેજર લીગ બેઝબોલ એટલે કે MLB દ્વારા મુંબઈમાં એક ખાસ બેઝબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૂર્યકુમાર યાદવ સહિત અનેક ભારતીય ક્રિકેટરોએ ભાગ લીધો હતો.બેઝબોલના દિગ્ગજ ખેલાડીઓ સાથે ભારતીય ક્રિકેટરોની હાજરીએ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો.

MLBએ મુંબઈના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત મુંબઈ ફૂટબોલ એરેના ખાતે પોતાની પ્રથમ 'MLBx મુંબઈ 3-ઓન-3' બેઝબોલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટરો અને આંતરરાષ્ટ્રીય બેઝબોલ ખેલાડીઓએ સાથે મળીને રમતનો આનંદ માણ્યો હતો. ભારતીય ક્રિકેટના જાણીતા બેટર સૂર્યકુમાર યાદવે પણ બેઝબોલમાં હાથ અજમાવ્યો હતો.

સૂર્યકુમાર સહિત અનેક ભારતીય ક્રિકેટરો જોડાયા

સૂર્યકુમાર યાદવ MLB ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમની સાથે જીતેશ શર્મા, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, કાશવી ગૌતમ અને રાધા યાદવ જેવા ભારતીય ક્રિકેટરોએ પણ ભાગ લીધો હતો.આ ખેલાડીઓની સાથે MLBના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડીઓ નિક સ્વિશર, જેક એરિયેટા અને એડ્રિયન ગોન્ઝાલેઝ પણ હાજર રહ્યા હતા. ક્રિકેટ અને બેઝબોલની દુનિયાના જાણીતા ખેલાડીઓને એક જ મંચ પર જોવાની તક મળતાં ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

4 ટીમો વચ્ચે યોજાઈ રસપ્રદ સ્પર્ધા

આ કાર્યક્રમમાં ભાગ લેનારા ખેલાડીઓને 4 ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા.આ ટીમોનાં નામ બેઝબોલની જાણીતી ફ્રેન્ચાઇઝી રેડ સોક્સ,કબ્સ,ડોજર્સ અને યાન્કીઝ પરથી રાખવામાં આવ્યાં હતાં.યાન્કીઝ ટીમમાં સૂર્યકુમાર યાદવ સાથે નિક સ્વિશર અને રેચલ ગાર્સિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ ટીમે શાનદાર પ્રદર્શન કરીને સ્પર્ધાનો ખિતાબ જીત્યો હતો.રેડ સોક્સ ટીમમાં જૉની ગોમ્સ સાથે કાશવી ગૌતમ અને દીપક ચાહર જોડાયા હતા.કબ્સ ટીમમાં જેક એરિયેટા સાથે શાર્દુલ ઠાકુર અને રાધા યાદવનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જ્યારે ડોજર્સ ટીમમાં એડ્રિયન ગોન્ઝાલેઝ સાથે જીતેશ શર્મા અને જોર્ડન વૂલરી જોડાયા હતા.આ રીતે ભારતીય ક્રિકેટરોને બેઝબોલના જાણીતા ખેલાડીઓ સાથે રમવાની અને આ રમતની ટેકનિક સમજવાની તક મળી હતી.

https://x.com/mipaltan/status/2114206415539876188?s=20

શાર્દુલ ઠાકુરે બેઝબોલ વિશે શું કહ્યું?

આ કાર્યક્રમ દરમિયાન ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુરે પણ બેઝબોલ અને ક્રિકેટ વચ્ચેની સમાનતાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે બંને રમતોમાં બોલને ધ્યાનથી જોવો અને તેને દૂર સુધી ફટકારવો મહત્ત્વપૂર્ણ છે.જોકે,બેઝબોલની ટેકનિક ક્રિકેટથી અલગ હોવાથી તેને યોગ્ય રીતે શીખવાની જરૂર પડે છે.શાર્દુલના મતે, બેઝબોલની રમત જે રીતે વિકસી રહી છે તે ખરેખર રસપ્રદ છે. આ કાર્યક્રમમાં તેમને નવી રમત શીખવાની તક મળી હતી. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં બેઝબોલ ભારતમાં લોકપ્રિય બની શકે છે.

ભારતમાં બેઝબોલની લોકપ્રિયતા વધારવાનો પ્રયાસ

MLBના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય ચાહકોને બેઝબોલની રમત સાથે જોડવાનો અને ક્રિકેટપ્રેમીઓ સુધી આ રમત પહોંચાડવાનો હતો. જાણીતા ભારતીય ક્રિકેટરોની ભાગીદારીથી બેઝબોલને ભારતમાં વધુ ઓળખ મળી શકે છે.સૂર્યકુમાર યાદવ અને અન્ય ભારતીય ખેલાડીઓ માટે પણ આ અનુભવ અલગ રહ્યો હતો. ક્રિકેટથી અલગ રમતની ટેકનિક સમજવાની અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સમય વિતાવવાની તક મળી હતી.હવે જોવાનું રહેશે કે આવા કાર્યક્રમો દ્વારા ભારતમાં બેઝબોલ પ્રત્યે લોકોનો રસ કેટલો વધે છે અને ભવિષ્યમાં આ રમતને કેટલો પ્રતિસાદ મળે છે.

આ પણ વાંચો - Smriti Mandhana ઇતિહાસથી માત્ર એક ડગલું દૂર! ઝિમ્બાબ્વે સામે સદી ફટકારતાં જ રચશે વર્લ્ડ રેકોર્ડ