ભારતીય ક્રિકેટ ટીમની બેન્ચ સ્ટ્રેન્થ દુનિયાભરમાં જાણીતી છે.ટીમ ઈન્ડિયા પાસે એટલા બધા પ્રતિભાશાળી ખેલાડીઓ છે કે તે એક જ દિવસે અલગ-અલગ સ્થળે 2 આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે.હવે આવું જ કંઈક 3 ઓક્ટોબર 2026ના રોજ જોવા મળી શકે છે.આ દિવસે ભારતીય ટીમની એક ટીમ ન્યૂ ચંડીગઢમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે મેચ રમતી જોવા મળી શકે છે,જ્યારે બીજી ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરી શકે છે.જો આવું થાય છે તો 28 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ ફરી જોવા મળશે.
3 ઓક્ટોબરે 2 અલગ જગ્યાએ રમશે ટીમ ઈન્ડિયા?
ભારતીય ટીમને એશિયન ગેમ્સમાં સીધો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.ટીમ ઈન્ડિયા 28 સપ્ટેમ્બરે ગ્રુપ Aમાં બીજા ક્રમે રહેલી ટીમ સામે ક્વાર્ટર ફાઇનલ રમશે.ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન,જાપાન અને નેપાળનો સમાવેશ થાય છે.જો ભારત ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવશે તો 1 ઓક્ટોબરે સેમિફાઇનલ રમશે.ત્યારબાદ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે તો 3 ઓક્ટોબરે ગોલ્ડ મેડલ માટેની મેચ રમશે.આ જ દિવસે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ પણ રમાવાની છે.આ બંને મેચની ટીમો અલગ હશે.એટલે ભારતીય ક્રિકેટ ચાહકોને એક જ દિવસે 2 અલગ સ્થળે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને રમતા જોવાની તક મળી શકે છે.

એશિયન ગેમ્સમાં કોણ રમશે?
એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે.આ ટીમની કપ્તાની શ્રેયસ અય્યરના હાથમાં છે.ટીમમાં અભિષેક શર્મા,સંજુ સેમસન,વૈભવ સૂર્યવંશી અને તિલક વર્મા જેવા યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ સામેલ છે.આ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ જેવા અનુભવી ઝડપી બોલરોને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમ કાગળ પર ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે.તેથી ટીમ પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવી રહી છે.બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે. આ ટીમની કપ્તાની શુભમન ગિલ કરી શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ અને કેએલ રાહુલ જેવા અનુભવી ખેલાડીઓ પણ આ મેચમાં જોવા મળી શકે છે.
28 વર્ષ પહેલાં પણ બન્યો હતો આવો સંયોગ
ભારતીય ક્રિકેટ ટીમ એક જ દિવસે 2 અલગ સ્થળે મેચ રમે તે પહેલી વખત નહીં હોય.12 સપ્ટેમ્બર,1998ના રોજ પણ આવું બની ચૂક્યું છે.તે સમયે સચિન તેંડુલકર અને અનિલ કુંબલે જેવા ખેલાડીઓ કુઆલાલમ્પુરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં કેનેડા સામે રમ્યા હતા.બીજી તરફ એ જ દિવસે ટોરોન્ટોમાં સહારા ફ્રેન્ડશિપ કપમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો.આ ટીમની કપ્તાની મોહમ્મદ અઝહરુદ્દીન પાસે હતી અને મેચમાં સૌરવ ગાંગુલી,રાહુલ દ્રવિડ અને નવજોત સિંહ સિદ્ધુ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ રમ્યા હતા.હવે જો 3 ઓક્ટોબર 2026ના રોજ ભારત એશિયન ગેમ્સની ફાઇનલ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે મેચ રમે છે,તો 28 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર આ અનોખો સંયોગ જોવા મળશે.
આ પણ વાંચો - Rinku Singh બનશે KKRનો નવો કેપ્ટન? સુરેશ રૈનાએ ફ્રેન્ચાઇઝીને આપી ખાસ સલાહ