આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે એવી સાંજ આવી હતી, જેને ભૂલવી આજે પણ મુશ્કેલ છે. 2023ના ODI વર્લ્ડ કપમાં અજેય રહેલી ભારતીય ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. 1.32 લાખથી વધુ દર્શકોની હાજરીમાં ભારતનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહી ગયું હતું.
10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું ભારત
2023નો ODI વર્લ્ડ કપ ભારતીય ટીમ માટે શાનદાર રહ્યો હતો. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે લીગ રાઉન્ડની તમામ 9 મેચ જીતી હતી. ત્યારબાદ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. એટલે કે ખિતાબી મુકાબલા પહેલાં ભારત સતત 10 મેચ જીતી ચૂક્યું હતું. બીજી તરફ, પેટ કમિન્સની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ પણ ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી હતી. સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટીમ ફાઇનલમાં પહોંચી હતી. અમદાવાદમાં ભારતને ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાની તક હતી અને ચાહકોને પણ ટીમ પાસેથી ઘણી આશા હતી.
રોહિતની આક્રમક શરૂઆત પછી બાજી પલટાઈ
ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ભારતે શરૂઆત સારી કરી હતી. રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ તેમની વિકેટ પડ્યા બાદ ભારતીય ઇનિંગ્સની ગતિ ધીમી પડી ગઈ હતી. વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રન અને કેએલ રાહુલે 107 બોલમાં 66 રન બનાવ્યા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાના બોલરોએ મધ્ય ઓવરોમાં રન બનાવવાનું મુશ્કેલ કરી દીધું હતું. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ અને પેટ કમિન્સે બે વિકેટ ઝડપી હતી.
ટ્રેવિસ હેડની સદીએ ભારતનું સપનું તોડ્યું
241 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ સારી રહી નહોતી. ભારતીય બોલરોએ 47 રનમાં ત્રણ વિકેટ લઈને મેચમાં વાપસીના સંકેત આપ્યા હતા. પરંતુ ત્યારબાદ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ચોથી વિકેટ માટે 192 રનની અણનમ ભાગીદારી કરીને ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે લાબુશેને 110 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 241 રન બનાવી લીધા અને છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
હાર બાદ ભારતે ફરી લખ્યો જીતનો ઇતિહાસ
અમદાવાદની એ હાર ભારતીય ટીમ અને ચાહકો માટે મોટો આઘાત હતી. જોકે, આ હાર બાદ ભારતીય ટીમે સફેદ બોલના ક્રિકેટમાં ફરી મજબૂત વાપસી કરી હતી. ભારતે 2024માં T20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2026માં પણ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
ત્રણ વર્ષ બાદ 19 નવેમ્બરનો દિવસ ફરી એ ફાઇનલની યાદ અપાવે છે. એક તરફ અમદાવાદની એ હાર આજે પણ ચાહકોને યાદ છે, તો બીજી તરફ ત્યારબાદ મળેલી મોટી જીતોએ ભારતીય ક્રિકેટની નવી સફર પણ લખી છે.
આ પણ વાંચો: Ball Tampering: પાકિસ્તાનની જૂની કરતૂતનો ખુલાસો! સેન્ડપેપર નહીં, બોટલના ઢાંકણથી કરતા હતા બોલ સાથે ચેડાં