ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટની હરીફાઈ ફરી એકવાર ચર્ચામાં છે. આગામી એક વર્ષ દરમિયાન બંને દેશોની ટીમો વચ્ચે 10 જેટલા વનડે મુકાબલા જોવા મળી શકે છે. આ ટક્કરની શરૂઆત નવેમ્બર મહિનામાં અંડર-19 એશિયા કપથી થશે. ત્યારબાદ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ, 2027નો એશિયા કપ અને વનડે વર્લ્ડ કપમાં પણ બંને ટીમો આમનેસામને આવી શકે છે.

8 નવેમ્બરે અંડર-19 એશિયા કપમાં ટક્કર

ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમો 8 નવેમ્બરે એશિયા કપમાં એકબીજા સામે રમશે. ઓમાનમાં 5થી 14 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-Aમાં રાખવામાં આવ્યા છે. આ ગ્રુપમાં નેપાળ અને UAEની ટીમો પણ છે. ભારત 6 નવેમ્બરે નેપાળ સામે અભિયાન શરૂ કરશે, જ્યારે પાકિસ્તાન પણ તે જ દિવસે UAE સામે રમશે. ગ્રુપની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. જો ભારત અને પાકિસ્તાન બંને ફાઇનલમાં પહોંચે તો આ ટૂર્નામેન્ટમાં તેમની બીજી ટક્કર પણ જોવા મળી શકે છે.

22 નવેમ્બરે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં મુકાબલો

ત્યારબાદ ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં 22 નવેમ્બરે મુકાબલો થશે. કતારમાં 19થી 29 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટમાં ભારત A ગ્રુપ-Bમાં પાકિસ્તાન A, નેપાળ અને UAE સાથે છે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, તિલક વર્મા, રિંકુ સિંહ અને રજત પાટીદાર જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તિલક વર્માને કેપ્ટન અને રજત પાટીદારને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ભારત A અને પાકિસ્તાન A બંને ફાઇનલમાં પહોંચે તો 29 નવેમ્બરે ફરી ટક્કર થઈ શકે છે.

2027ના એશિયા કપમાં પણ ત્રણ મુકાબલાની શક્યતા

આગામી વર્ષે જૂન-જુલાઈ દરમિયાન એશિયા કપ યોજાવાની શક્યતા છે. 2027માં વનડે વર્લ્ડ કપ હોવાથી એશિયા કપ પણ વનડે ફોર્મેટમાં રમાઈ શકે છે. જોકે, ટૂર્નામેન્ટનું સત્તાવાર સમયપત્રક અને ગ્રુપની જાહેરાત હજુ થઈ નથી. હાલના ફોર્મેટ પ્રમાણે ભારત અને પાકિસ્તાન ગ્રુપ સ્ટેજ, સુપર-4 અને ફાઇનલમાં એમ ત્રણ વખત સામસામે આવી શકે છે.

વનડે વર્લ્ડ કપમાં પણ ત્રણ ટક્કર શક્ય

2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં રમાશે. ટૂર્નામેન્ટના સૂચિત નવા ફોર્મેટ પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ, સુપર-7 અને નોકઆઉટ અથવા ફાઇનલમાં ટક્કરની શક્યતા છે.

આ રીતે નવેમ્બર 2026થી 2027ના વનડે વર્લ્ડ કપ સુધી બંને દેશો વચ્ચે કુલ 10 મુકાબલા જોવા મળી શકે છે. જોકે, આ સંખ્યા બંને ટીમોના ફાઇનલ અને નોકઆઉટ તબક્કા સુધી પહોંચવા પર નિર્ભર રહેશે. તમામ સંભવિત મુકાબલાનું સત્તાવાર સમયપત્રક જાહેર થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Harry Kane: ફૂટબોલના સૌથી મોટા એવોર્ડ પછી કિંગ કોહલીનો મેસેજ: હેરી કેને કહ્યું- "હું દંગ રહી ગયો!"