ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં પાકિસ્તાન-A સામે મળેલી હાર બાદ ભારત-Aના કેપ્ટન તિલક વર્માનું દર્દ છલકાયું છે. તિલક વર્માએ આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં ભારતીય ટીમને 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ તિલકે ટીમની બેટિંગ અને મધ્યક્રમમાં સતત પડેલી વિકેટો પર નિરાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે જો શાહબાઝ અહેમદ વધુ 2 ઓવર ક્રીઝ પર ટકી ગયો હોત તો મેચનું પરિણામ કંઈક અલગ હોઈ શક્યું હોત.રવિવાર, 22 નવેમ્બરે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 313 રન બનાવ્યા હતા. જવાબમાં 314 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ એક સમયે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે, તિલક વર્મા અને શાહબાઝ અહેમદની ભાગીદારીએ ભારતની જીતની આશા જગાવી હતી. પરંતુ શાહબાઝની વિકેટ પડતાં જ ભારતીય ટીમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

શાહબાઝની વિકેટ મેચનો ટર્નિંગ પોઇન્ટ બની

314 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારત-Aની શરૂઆત સારી રહી હતી. અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતાં માત્ર 42 બોલમાં 70 રન ફટકાર્યા હતા. જોકે, તેના આઉટ થયા બાદ ભારતીય બેટિંગ લાઇનઅપ દબાણમાં આવી ગઈ હતી.ભારતે 129 રનના સ્કોર સુધીમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં તિલક વર્મા અને શાહબાઝ અહેમદે જવાબદારી સંભાળી હતી. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 112 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.શાહબાઝે 41 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી, જ્યારે તિલક વર્માએ 149 બોલમાં 100 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનોની ભાગીદારીને કારણે ભારતીય ટીમ ફરી મેચમાં પરત ફરતી જોવા મળી હતી.પરંતુ જ્યારે બંને બેટ્સમેનો રનનો દર વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શાહબાઝની વિકેટ પડી ગઈ હતી. આ વિકેટ ભારત માટે નિર્ણાયક સાબિત થઈ હતી.

'શાહબાઝ 2 ઓવર વધુ ટકી ગયો હોત તો હું મેચ પૂરી કરી શક્યો હોત'

મેચ બાદ કેપ્ટન તિલક વર્માએ શાહબાઝ સાથેની ભાગીદારી અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે અભિષેક શર્માએ સારી શરૂઆત અપાવી હતી અને ત્યારબાદ શાહબાઝે પણ તેની સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.તિલકે કહ્યું, અમે જ્યારે ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે દુર્ભાગ્યે શાહબાઝ આઉટ થઈ ગયો. જો તે વધુ 2 ઓવર ક્રીઝ પર ટકી ગયો હોત તો હું મેચ પૂરી કરી શક્યો હોત.તિલકના મતે, જો ભારતીય ટીમે મધ્યક્રમમાં સતત વિકેટો ગુમાવી ન હોત તો 47મી કે 48મી ઓવર સુધીમાં મેચ જીતી શકી હોત. જોકે, મહત્વના સમયે વિકેટો પડતાં ટીમ લક્ષ્યથી દૂર રહી ગઈ હતી.

https://x.com/CricketCentrl/status/2124581456035099004?a=p9K3X8XHoN4zVsrbW4M&s=20


સદી ફટકારવા છતાં તિલક વર્મા ખુશ નથી

પાકિસ્તાન-A સામે તિલક વર્માએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ પોતાની ઇનિંગથી તે સંપૂર્ણ સંતુષ્ટ નહોતો. તેના મતે વ્યક્તિગત સદી કરતાં ટીમની જીત વધુ મહત્વપૂર્ણ છે.તિલકે જણાવ્યું કે જો બીજા છેડેથી કોઈ બેટ્સમેન લાંબો સમય સાથ આપી શક્યો હોત તો તે ભારતને જીત સુધી પહોંચાડી શક્યો હોત. તેણે એમ પણ કહ્યું કે કેપ્ટન તરીકે મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારી લેવી જરૂરી છે અને તેને દબાણમાં ટીમને આગળ લઈ જવાનું પસંદ છે.

પાકિસ્તાન-Aએ 313 રન બનાવ્યા, ભારત 265માં ઓલઆઉટ

આ મુકાબલામાં પાકિસ્તાન-Aએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 313 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હસન નવાઝે 79 રન, મઝ સદાકતે 59 રન અને ફરહાન યુસુફે 56 રનનું યોગદાન આપ્યું હતું.જવાબમાં ભારત-Aની ટીમ તિલક વર્મા અને શાહબાઝ અહેમદની લડાયક ઇનિંગ છતાં 265 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે પાકિસ્તાન-Aએ આ મુકાબલો 48 રનથી જીતી લીધો હતો.

આ પણ વાંચો- Sandpaper Scandal : 2018ના સેન્ડપેપર કૌભાંડ પર એબી ડિવિલિયર્સનો મોટો ખુલાસો, કહ્યું- દરેક ખેલાડીને હતી જાણ!