મહિલા અંડર-19 T20 ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન મેદાન પર એવી ઘટના બની કે ખેલાડીઓ અને દર્શકો પણ ચોંકી ગયા.નાગપુરમાં કર્ણાટક અને વિદર્ભ વચ્ચે રમાઈ રહેલી મેચમાં અચાનક એક કપિરાજ મેદાનમાં ઘૂસી આવ્યો હતો.બાઉન્ડરી પાસે ફિલ્ડિંગ કરી રહેલી કર્ણાટકની યુવા ખેલાડી ઉમા કશવીની નજીક લંગૂર ઝડપથી દોડી આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.અચાનક પોતાની તરફ કપિરાજને આવતો જોઈને 15 વર્ષની ઉમા કશવી ગભરાઈ ગઈ હતી.પોતાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેનું સંતુલન બગડ્યું હતું અને તે ઘાસ પર પડી ગઈ હતી. જોકે, કપિરાજ તેની પાસેથી પસાર થઈ ગયો હતો અને ઉમા તરત જ ઊભી થઈ ગઈ હતી.આ ઘટનાને કારણે મેચમાં થોડા સમય માટે વિક્ષેપ પડ્યો હતો. જોકે, ઉમાએ ફરી રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ત્યારબાદ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કપિરાજની ઘટનાની અસર રમત પર ન પડવા દીધી
મેદાન પર બનેલી આ અણધારી ઘટના છતાં ઉમા કશવીએ પોતાની રમત પર ધ્યાન જાળવી રાખ્યું હતું. તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 મહત્ત્વની વિકેટ ઝડપી હતી.ઉમાના આ પ્રદર્શને કર્ણાટકની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. કર્ણાટકે વિદર્ભને 6 રનથી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આમ, મેદાન પર અચાનક સર્જાયેલી પરિસ્થિતિ બાદ પણ ઉમાએ બોલિંગમાં પોતાની પ્રતિભા સાબિત કરી હતી.
કર્ણાટકે 6 રનથી જીતી ક્વાર્ટર ફાઇનલ
મેચમાં પહેલાં બેટિંગ કરતાં કર્ણાટકે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા.ખુશી સૂર્યકાંતે અણનમ 33 રન બનાવ્યા હતા, જ્યારે કર્ણિકા કાર્તિકે 23 રનનું યોગદાન આપ્યું હતું.141 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 134 રન જ બનાવી શકી હતી. આ સાથે કર્ણાટકે 6 રનથી રોમાંચક જીત મેળવી હતી.કર્ણાટક હવે 24 ઓક્ટોબરે સેમિફાઇનલમાં બરોડા સામે રમશે.બીજી સેમિફાઇનલમાં દિલ્હી અને હરિયાણા વચ્ચે મુકાબલો થશે.આ તમામ મેચ નાગપુરના લેડી અમૃતાબાઈ ડાગા કોલેજ મેદાન પર રમાવાની છે.
https://www.instagram.com/reel/DeySfAMKeAH/?utm_source=ig_web_copy_link&xtok=NTc4MTIwNjQ2YQ==
WPL 2027ની હરાજીમાં પણ ઉમા પર નજર
ઉમા કશવી માટે આ પ્રદર્શન એવા સમયે આવ્યું છે, જ્યારે તેનું નામ મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2027ની હરાજી માટે નોંધાયું છે. તેની મૂળ કિંમત 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે.ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરીને ઉમા ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન ખેંચવા માગશે. ક્વાર્ટર ફાઇનલમાં 3 વિકેટ લેવાની તેની સિદ્ધિ તેની ક્ષમતા દર્શાવે છે.એક તરફ મેદાન પરકપિરાજની અણધારી હાજરીને કારણે ઉમા ચર્ચામાં આવી છે, તો બીજી તરફ તેના શાનદાર બોલિંગ પ્રદર્શને પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. હવે સેમિફાઇનલમાં કર્ણાટક કેવું પ્રદર્શન કરે છે અને ઉમાને WPLની હરાજીમાં તક મળે છે કે નહીં, તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો - Glenn Phillips ભારતીય પત્રકારો પર કેમ ભડક્યો,જાણો સમગ્ર મામલો