અમેરિકામાં ક્રિકેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં 100 વર્ષથી વધુ સમય બાદ ક્રિકેટની વાપસી થવાની છે, તો બીજી તરફ અમેરિકાની ક્રિકેટ સંસ્થા USA ક્રિકેટ પોતાની વહીવટી અને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહી છે. હવે આ સંસ્થાને નાદારીમાંથી બહાર લાવવા માટે નવી યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સંસ્થાને 3 નવા સ્વતંત્ર ડિરેક્ટર મળશે, જ્યારે અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઇઝિસ (ACE) તરફથી $3.145 મિલિયનની વધારાની આર્થિક મદદ પણ આપવામાં આવશે. 

3 નવા ડિરેક્ટર સંભાળશે જવાબદારી

USA ક્રિકેટના નાદારી કેસ માટે નિયુક્ત ટ્રસ્ટી માર્ક ડેનિસે 3 સ્વતંત્ર ડિરેક્ટરના નામ રજૂ કર્યા છે. તેમાં સેલિના કેઇંગ, પેટ્રિક સિંગલટન અને નોર્મન વેઇનનો સમાવેશ થાય છે. સેલિના કેઇંગ ટેકનોલોજી અને કોર્પોરેટ ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ ગૂગલ, માર્વેલ, ડિઝની અને નેસ્લે જેવી મોટી કંપનીઓમાં મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યાં છે. પેટ્રિક સિંગલટન બર્મુડાના 3 વખતના ઓલિમ્પિયન છે. તેઓ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ખેલાડી પ્રતિનિધિ વિભાગમાં પણ રહી ચૂક્યા છે. નોર્મન વેઇનને અમેરિકાના એથ્લેટિક્સ વહીવટનો 14 વર્ષનો અનુભવ છે. આ ત્રણેયની પસંદગી પ્રક્રિયા પર ICC અને અમેરિકાની ઓલિમ્પિક સમિતિએ પણ નજર રાખી હતી. આ યોજના કોર્ટની મંજૂરી મેળવીને અમલમાં આવશે ત્યારે USA ક્રિકેટના હાલના તમામ ડિરેક્ટરનાં પદ સમાપ્ત થશે અને નવા ત્રણ ડિરેક્ટર જવાબદારી સંભાળશે. 

ACE આપશે $3.145 મિલિયનની મદદ

આ સમગ્ર યોજનામાં સૌથી મહત્વની બાબત આર્થિક મદદ છે. અમેરિકામાં મેજર લીગ ક્રિકેટનું સંચાલન કરતી ACEએ USA ક્રિકેટને $3.145 મિલિયન સુધીની વધારાની આર્થિક મદદ આપવાની તૈયારી દર્શાવી છે. આ રકમનો ઉપયોગ સંસ્થાના રોજિંદા ખર્ચ, કર્મચારીઓ અને વહીવટી કામગીરી ચાલુ રાખવા માટે કરવામાં આવશે. ICCએ USA ક્રિકેટનું સભ્યપદ સ્થગિત કર્યું હોવાથી સંસ્થાને મળતું આંતરરાષ્ટ્રીય ભંડોળ હાલમાં ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં ACEની મદદ સંસ્થા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે આ આર્થિક વ્યવસ્થા 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક પછી પણ 2029 સુધી ચાલુ રહી શકે તેવી જોગવાઈ ધરાવે છે. 

ICCમાં વાપસી માટે 3 મોટા પડકાર

નવી વ્યવસ્થાની સામે મુખ્યત્વે 3 કામ રહેશે. પ્રથમ, USA ક્રિકેટનું ICC સભ્યપદ ફરી મેળવવું. બીજું, ACE સાથે લાંબા ગાળાનો વ્યાપારી કરાર તૈયાર કરવો અને ત્રીજું, અમેરિકાની ઓલિમ્પિક સમિતિની માન્યતા મેળવવા માટે જરૂરી વહીવટી નિયમોનું પાલન કરવું. નવી સંસ્થા ACE સાથેના પ્રયાસોની દર મહિને લેખિત માહિતી પણ આપશે. નવા માળખામાં 9થી 11 ડિરેક્ટરનું બોર્ડ બનાવવાની દરખાસ્ત છે, જેમાં ખેલાડીઓનું પ્રતિનિધિત્વ ઓછામાં ઓછું 33.3% રહેશે. 

આખો વિવાદ કેવી રીતે શરૂ થયો?

અમેરિકન ક્રિકેટમાં આ સંકટ અચાનક ઊભું થયું નથી. USA ક્રિકેટ અને ACE વચ્ચે વર્ષોથી વ્યાપારી કરાર અને વહીવટી અધિકારોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. 22 ઓગસ્ટ 2025ના રોજ USA ક્રિકેટે ACE સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો. ત્યારબાદ 24 સપ્ટેમ્બર 2025ના રોજ ICCએ વહીવટી ખામીઓ અને આંતરિક વિવાદોને કારણે USA ક્રિકેટનું સભ્યપદ સ્થગિત કર્યું હતું. 1 ઓક્ટોબર 2025ના રોજ સંસ્થાએ નાદારીથી બચવા માટે અમેરિકાની કોર્ટમાં અરજી કરી હતી. 12 જાન્યુઆરી 2026ના રોજ કોર્ટે જૂનું બોર્ડ હટાવીને માર્ક ડેનિસને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારથી સંસ્થાની જવાબદારી તેમના હાથમાં છે. 

જાન્યુઆરી 2027માં આવશે મોટો નિર્ણય

હવે આ નવી યોજનાને અમેરિકાની નાદારી કોર્ટની મંજૂરી મળવી જરૂરી છે. યોજના અંગેની સુનાવણી 15 જાન્યુઆરી 2027ની આસપાસ રાખવાની માગ કરવામાં આવી છે. આ માટેની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2027 નક્કી કરવામાં આવી છે. જ્યારે આર્થિક મદદની વ્યવસ્થાને 29 જાન્યુઆરી 2027 સુધીમાં કોર્ટની મંજૂરી મેળવવાની રહેશે. જો આ યોજના સફળ થાય તો USA ક્રિકેટને ફરીથી મજબૂત વહીવટી માળખું મળી શકે છે. ખાસ કરીને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાવાનું હોવાથી અમેરિકન ક્રિકેટ માટે આ નિર્ણય ખૂબ મહત્વનો છે.

આ પણ વાંચો: Prithvi Shawનું IPL ભવિષ્ય જોખમમાં? દિલ્હી કેપિટલ્સ માંથી બહાર કરવાની કરી માગ !