ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં 8 વર્ષ જૂનો બોલ ટેમ્પરિંગ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ કાંડ અંગે ઉસ્માન ખ્વાજાએ આપેલા નિવેદનથી ક્રિકેટ જગતમાં હોબાળો મચ્યો છે. ખ્વાજાએ આ સમગ્ર ઘટના માટે માત્ર કેટલાક ખેલાડીઓને નહીં, પરંતુ આખી ટીમને સામૂહિક જવાબદારી લેવાની જરૂર હોવાનું કહ્યું હતું. હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફેની ડી વિલિયર્સે ખ્વાજા પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે ખ્વાજાને ક્રિકેટના ઇતિહાસનો સૌથી મોટો ગદ્દાર ગણાવ્યો છે.
'ખ્વાજા ક્રિકેટના સૌથી મોટા ગદ્દાર'
ઉસ્માન ખ્વાજાના નિવેદન બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડન અને ઇયાન હીલી પણ તેમની ટીકા કરી ચૂક્યા છે. હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફેની ડી વિલિયર્સે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે.ડી વિલિયર્સે ખ્વાજા પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે તેમણે છેલ્લા 40થી 50 વર્ષમાં જોયેલા અને પુસ્તકોમાં વાંચેલા ક્રિકેટના ઇતિહાસમાં ઉસ્માન ખ્વાજા સૌથી મોટા ગદ્દાર છે.તેમણે આરોપ લગાવ્યો કે ખ્વાજાએ ક્રિકેટની આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને પોતાના જ સાથી ખેલાડીઓનો વિશ્વાસ તોડ્યો છે. તેમના મતે 2018નો વિવાદ પહેલેથી જ ઉકેલાઈ ગયો હતો, પરંતુ ખ્વાજાએ ફરી જૂની વાતો ઉખેડીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટને બદનામ કર્યું છે.ડી વિલિયર્સનું માનવું છે કે આ મામલો સાચો કે ખોટો હોવા કરતાં ખેલાડીઓ વચ્ચેના વિશ્વાસ અને મિત્રતાનો છે. ખ્વાજાના નિવેદનથી જૂનો વિવાદ ફરી જીવંત થયો છે અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં આંતરિક મતભેદો સામે આવ્યા છે.
4000 શબ્દોના નિવેદનથી ફરી વિવાદ વધ્યો
વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાઈ હતી.આ ઘટનામાં કેમેરન બેનક્રોફ્ટ બોલ સાથે ચેડાં કરતા પકડાયા હતા. ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સહિતના ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.હવે આ ઘટનાને લઈને કેમેરન બેનક્રોફ્ટે આશરે 4000 શબ્દોનું નિવેદન આપ્યું છે. તેમણે પણ ઉસ્માન ખ્વાજાના પક્ષમાં વાત કરી છે. આ નવા ખુલાસાઓને કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ છે.
પેટ કમિન્સની ટેસ્ટ કેપ્ટનશિપ પર સંકટ?
આ સમગ્ર વિવાદની અસર હવે ઓસ્ટ્રેલિયાની વર્તમાન ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ પર પણ પડી શકે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિચેલ જોન્સને પોતાના અખબારી લેખમાં કમિન્સની કેપ્ટનશિપ અંગે સવાલો ઉઠાવ્યા છે.જોન્સનના મતે હવે પેટ કમિન્સ માટે ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે. તેમણે કહ્યું કે કેમેરન બેનક્રોફ્ટના નિવેદન પર વિશ્વાસ કરવાનાં કારણો છે, કારણ કે હવે તેમની પાસે ગુમાવવાનું કંઈ નથી. તેમનું નિવેદન અન્ય ખેલાડીઓની વાતો સાથે પણ મેળ ખાય છે.જોન્સનનું માનવું છે કે કમિન્સ ભલે વર્ષ 2021માં બોલરોને લઈને આપેલા પોતાના જૂના નિવેદન પર અડગ રહે, પરંતુ હવે તેમના પર કેપ્ટનશિપ છોડવાનું દબાણ વધી શકે છે.આમ, 2018નો બોલ ટેમ્પરિંગ વિવાદ 8 વર્ષ બાદ ફરી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટો વિવાદ બની ગયો છે. હવે જોવાનું રહેશે કે આ નવા ખુલાસાઓની પેટ કમિન્સની કેપ્ટનશિપ અને ઓસ્ટ્રેલિયન ટીમ પર કેટલી અસર પડે છે.
આ પણ વાંચો- DRS Controversy : રાહુલની વિકેટ પર મોટો વિવાદ! મેટ હેનરીનો ગુસ્સો પહોંચ્યો સાતમા આસમાને