યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આજકાલ ફક્ત તેની બેટિંગ માટે જ નહીં પરંતુ મેદાન પરના વિવાદ માટે પણ ચર્ચામાં છે. શ્રીલંકા A સામે ભારતની સુપર ઓવરમાં હાર બાદ દાંબુલાના મેદાન પર જે બન્યું તેનાથી ક્રિકેટ જગત ચોંકી ગયું. હવે આ વિવાદ પાછળનું સાચું કારણ બહાર આવ્યું છે.


રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટ્રાય સિરીઝની મેચમાં ભારત A ટીમની રોમાંચક સુપર ઓવરમાં હાર થઈ. મેચ પછી જ્યારે બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર હતા, ત્યારે વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા A ટીમના ખેલાડી વિષેન હાલામ્બાગે વચ્ચે ઉગ્ર દલીલ થઈ. પરિસ્થિતિ ઝડપથી શારીરિક ઝઘડામાં પરિણમી, અને અન્ય ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી.

શું હતો સમગ્ર મામલો?

મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકાના ખેલાડી વિષેન હાલામ્બાગેની કોમેન્ટથી વિવાદ શરૂ થયો હતો. મેચ જીત્યા પછી, તેણે વૈભવ સૂર્યવંશી તરફ જોયું અને કહ્યું કે "મેચ પૂરી થઈ ગઈ છે, હવે ઘરે જાઓ." આ મજાક સાંભળીને વૈભવે વળતો જવાબ આપ્યો, અને બંને ખેલાડીઓ વચ્ચે દલીલ વધી ગઈ. 

થોડીવારમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેઓ એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને ઝપાઝપી શરૂ થઈ ગઈ. પરિસ્થિતિ વધુ વણસતી જોઈને શ્રીલંકા A અને ભારત A ના અન્ય ખેલાડીઓએ વચ્ચે પડવું પડ્યું અને પરિસ્થિતિ શાંત કરી. પરંતુ આ ઘટનાએ મેચનો રોમાંચક અંત બગાડ્યો.

સુપર ઓવર અંગે પણ સવાલો ઉભા થયા

આ વિવાદ વચ્ચે સુપર ઓવર કરાવવાના નિર્ણય પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેદાન પર લાઈટિંગ અપૂરતી હતી અને શ્રીલંકા A કેમ્પ ટાઈ-બ્રેકરના પક્ષમાં ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયા A કેપ્ટન તિલક વર્મા સુપર ઓવર કરાવવાના પક્ષમાં હતા અને તેમને એમ્પાયરો સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી. 

આ દરમિયાન શ્રીલંકા ક્રિકેટના કેટલાક અધિકારીઓ માને છે કે તે સમયે સુપર ઓવર રમવી જોઈતી ન હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના બાદ શ્રીલંકા A ટીમના ખેલાડીઓએ ભારતીય ડ્રેસિંગ રૂમમાં જઈને પોતાના વર્તન બદલ માફી માગી. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!

  • Follow us on: