એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.આ ઐતિહાસિક સફળતા સાથે ટીમના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીના નામે પણ એક ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે.

એશિયન ગેમ્સમા વૈભવે ઇતિહાસ રચ્યો 

માત્ર 15 વર્ષની ઉંમરના વૈભવ સૂર્યવંશી હવે એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી બની ગયા છે.અગાઉ આ રેકોર્ડ ભારતીય શૂટર સૌરભ ચૌધરીના નામે હતો.સૌરભે 2018ની એશિયન ગેમ્સમાં 16 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે વૈભવે માત્ર 15 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવીને તેમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વૈભવે પાકિસ્તાન સામે 15 રનની ઇનિંગ રમી

પાકિસ્તાન સામે રમાયેલી ગોલ્ડ મેડલ મેચમાં વૈભવ સૂર્યવંશી પર ખાસ નજર હતી. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વૈભવે અભિષેક શર્મા સાથે મળીને ભારતને ઝડપી શરૂઆત અપાવી.ભારતે શરૂઆતની માત્ર 2 ઓવરમાં 28 રન બનાવી લીધા હતા. જોકે વૈભવ પોતાની ઇનિંગને મોટી બનાવી શક્યા નહોતા. તેમણે 9 બોલમાં 2 છગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા. ત્યારબાદ મોટો શોટ રમવાના પ્રયાસમાં તેઓ સેમ અયૂબની બોલિંગમાં આઉટ થયા.ભલે ફાઇનલમાં વૈભવનું બેટિંગ પ્રદર્શન મોટું ન રહ્યું હોય, પરંતુ ભારતીય ટીમના ગોલ્ડ મેડલ વિજય સાથે તેમનું નામ ઇતિહાસમાં નોંધાઈ ગયું છે.

એશિયન ગેમ્સમાં વૈભવનું પ્રદર્શન

વૈભવ સૂર્યવંશીએ એશિયન ગેમ્સ 2026માં ભારત માટે 2 મેચ રમી હતી. આ દરમિયાન તેમણે કુલ 53 રન બનાવ્યા અને તેમની સરેરાશ 26.50 રહી.સેમિફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને 124 રનના મોટા અંતરથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં પાકિસ્તાન સામે જીત મેળવીને ભારતે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.વૈભવ માટે આ અનુભવ ખૂબ જ ખાસ રહ્યો છે, કારણ કે નાની ઉંમરે એશિયન ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે તેમણે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.

હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી પર નજર

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે ભારતીય ટીમનું ધ્યાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 શ્રેણી પર રહેશે. શ્રેણીની શરૂઆત 6 ઓક્ટોબરથી થવાની છે અને પ્રથમ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.આ શ્રેણી વૈભવ સૂર્યવંશી માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તેમની નજર ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જગ્યા મજબૂત કરવા પર રહેશે.માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે ક્રિકેટની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. એશિયન ગેમ્સમાં સૌથી યુવા ભારતીય ગોલ્ડ મેડલ વિજેતા બનવાનો રેકોર્ડ તેમની કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ બની ગયો છે.

આ પણ વાંચો - Shai Hopeએ ઐતિહાસક રન ચેઝમા તોડ્યો 17 વર્ષ જૂનો મહારેકોર્ડ!