ભારતીય ક્રિકેટના યુવા સિતારા વૈભવ સૂર્યવંશી વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહ્યા છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ એવું કારનામું કરશે, જેનાથી તેનું નામ ક્રિકેટના ઇતિહાસમાં નોંધાઈ જશે. ખાસ વાત એ છે કે વૈભવ આ ઐતિહાસિક સિદ્ધિ બાળદિન એટલે કે 14 નવેમ્બરના રોજ હાંસલ કરશે. તે ક્રિકેટના મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો વિશ્વવિક્રમ પોતાના નામે કરી લેશે.વૈભવની આ સિદ્ધિ તેની બેટિંગ સાથે નહીં, પરંતુ ટીમની કેપ્ટનશિપ સાથે જોડાયેલી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહારની ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી વૈભવને સોંપવામાં આવી છે. આ સાથે જ તે T20 ક્રિકેટમાં દુનિયાનો સૌથી નાની ઉંમરનો કેપ્ટન બની જશે.

બાળદિને શું કરશે વૈભવ સૂર્યવંશી?

14 નવેમ્બરના રોજ બાળદિન નિમિત્તે વૈભવ સૂર્યવંશી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહાર તરફથી મેદાનમાં ઉતરશે. આ સ્પર્ધા T20 ફોર્મેટમાં રમાય છે. બિહારની ટીમ પોતાની પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર સામે ટકરાશે. આ મુકાબલો ઇન્દોરમાં રમાવાનો છે.આ મેચ માટે બિહારની ટીમની કમાન વૈભવ સૂર્યવંશીને સોંપવામાં આવી છે. આ જવાબદારી મળતાં જ વૈભવ ભારતીય ક્રિકેટના સૌથી ચર્ચિત યુવા ખેલાડીઓમાં વધુ એક વખત સ્થાન મેળવી ચૂક્યો છે. મેચમાં કેપ્ટન તરીકે મેદાનમાં પગ મૂકતાં જ તે T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ટીમનું નેતૃત્વ કરનાર ખેલાડી બની જશે.

15 વર્ષ અને 232 દિવસની ઉંમરે બનાવશે વિશ્વવિક્રમ

વૈભવ સૂર્યવંશી 15 વર્ષ અને 232 દિવસની ઉંમરે T20 ટીમની કેપ્ટનશિપ કરશે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય સ્તરે નહીં, પરંતુ સમગ્ર T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે કેપ્ટન બનવાનો વિશ્વવિક્રમ પોતાના નામે કરશે.અત્યાર સુધી આ વિક્રમ ક્રોએશિયાના જેક વુકુસિકના નામે હતો. તેણે ગયા વર્ષે સાયપ્રસ સામે 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે T20 ટીમની કેપ્ટનશિપ કરી હતી. હવે વૈભવ આ વિક્રમ તોડીને નવો ઇતિહાસ રચવાની તૈયારીમાં છે.

મહિપાલ લોમરોરનો ભારતીય વિક્રમ પણ તૂટશે

વૈભવ માત્ર વિશ્વવિક્રમ જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટનો સૌથી નાની ઉંમરે T20 કેપ્ટન બનવાનો વિક્રમ પણ પોતાના નામે કરશે.ભારતમાં અત્યાર સુધી આ વિક્રમ મહિપાલ લોમરોરના નામે હતો. તેણે વર્ષ 2018માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાનની કેપ્ટનશિપ કરી હતી. તે સમયે તેની ઉંમર 18 વર્ષ અને 67 દિવસ હતી. તેણે ઝારખંડ સામે આ જવાબદારી નિભાવી હતી.હવે વૈભવ 15 વર્ષની ઉંમરે જ આ વિક્રમ તોડશે. એટલે કે મહિપાલ લોમરોર કરતાં લગભગ 3 વર્ષ નાની ઉંમરે તે T20 ટીમનું નેતૃત્વ કરશે.

વૈભવની કારકિર્દીમાં વધુ એક મોટો મુકામ

વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે પોતાની આક્રમક બેટિંગથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. હવે તેની પાસે કેપ્ટન તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક છે.14 નવેમ્બરે સૌરાષ્ટ્ર સામેની મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ વૈભવના નામે બે મોટી સિદ્ધિઓ નોંધાશે. તે વિશ્વનો સૌથી યુવા T20 કેપ્ટન બનશે અને ભારતીય ક્રિકેટમાં પણ સૌથી નાની ઉંમરે આ જવાબદારી સંભાળવાનો વિક્રમ બનાવશે. હવે જોવાનું રહેશે કે બેટિંગની સાથે કેપ્ટન તરીકે પણ વૈભવ બિહારની ટીમને કેટલી સફળતા અપાવી શકે છે.

આ પણ વાંચો - Virat Kohli Record : બેટિંગમાં ફ્લોપ, પણ રેકોર્ડમાં નંબર-1! કોહલીએ પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો