ભારતીય ક્રિકેટના યુવા બેટર વૈભવ સૂર્યવંશી માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસ એક મોટો પડકાર બની શકે છે. ન્યૂઝીલેન્ડના હેડ કોચ રોબ વોલ્ટરે કહ્યું છે કે તેઓ સૂર્યવંશીને ઝડપી બોલિંગ અને બાઉન્સી પીચ પર રમતા જોવા માટે ઉત્સુક છે. કોચ તરીકે તેઓ એ પણ જોવા માંગે છે કે દબાણની સ્થિતિમાં 15 વર્ષનો આ બેટર કેવી રીતે પ્રદર્શન કરે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરથી 5 મેચની T20I સિરીઝ શરૂ થવાની છે. પ્રથમ બે મેચ ક્રાઈસ્ટચર્ચમાં, ત્રીજી વેલિંગ્ટનમાં, ચોથી ઓકલેન્ડમાં અને પાંચમી મેચ હેમિલ્ટનમાં રમાશે. આ સિરીઝ ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો પ્રથમ ભાગ હશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચ પણ રમાવાની છે.

બાઉન્સી પીચ પર સૂર્યવંશીની અસલી પરીક્ષા

રોબ વોલ્ટરે કહ્યું કે, તેઓ સૂર્યવંશીને ન્યૂઝીલેન્ડની ઝડપી અને બાઉન્સી પીચ પર રમતા જોવા માંગે છે. આ પ્રકારની પરિસ્થિતિ ભારતમાં મળતી પીચોથી અલગ હોય છે. આવી પીચ પર ઝડપી બોલરોને વધારાની મદદ મળી શકે છે, તેથી સૂર્યવંશી પોતાના આક્રમક બેટિંગ અંદાજ સાથે કેવી રીતે રમે છે તેના પર નજર રહેશે. વોલ્ટરે કહ્યું કે, સૂર્યવંશીએ IPLમાં દુનિયાના શ્રેષ્ઠ બોલરો સામે પણ પોતાની બેટિંગથી પ્રભાવ પાડ્યો છે. હવે સવાલ એ છે કે તે અલગ પરિસ્થિતિમાં પોતાની રમતને કેટલી સારી રીતે ઢાળી શકે છે. કોચે મજાકિયા અંદાજમાં કહ્યું કે એક કોચ તરીકે તેઓ પોતાના ખેલાડીને થોડા દબાણમાં જોવા માંગે છે અને એ જોવામાં રસ છે કે તે દબાણનો જવાબ કેવી રીતે આપે છે. જોકે તેમણે એ પણ કહ્યું કે જો સૂર્યવંશી ન રમે તો ભારત પાસે ઘણા સારા ખેલાડીઓ છે.

IPL અને ભારત માટે શાનદાર શરૂઆત

સૂર્યવંશીએ 2026ની IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર બેટિંગ કરી હતી. તેણે ટૂર્નામેન્ટમાં 776 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે તેણે T20I ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઝિમ્બાબ્વે સામેની 3 મેચની સિરીઝમાં તેણે 151 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. આ સિરીઝમાં તેણે બે અડધી સદી પણ ફટકારી હતી. જોકે તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20I સિરીઝમાં તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. ભારતે આ સિરીઝ 3-0થી જીતી હતી. હેડ કોચ ગૌતમ ગંભીર અગાઉ કહી ચૂક્યા છે કે સૂર્યવંશીને પોતાની તક માટે રાહ જોવી પડશે અને જ્યારે તક મળશે ત્યારે તેને લાંબો સમય આપવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ સામે ફરી તક મળવાની શક્યતા

હવે ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિ સૂર્યવંશી માટે નવી પરીક્ષા બની શકે છે. ભારતનો આ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે અને T20I સિરીઝ 1 નવેમ્બરે પૂરી થશે. ન્યૂઝીલેન્ડે આ સિરીઝ માટે 16 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે, જેમાં મિચેલ સેન્ટનર કેપ્ટન છે. ઝડપી બોલિંગમાં લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાયલ જેમિસન, જેકબ ડફી અને એડમ મિલ્ને જેવા ખેલાડીઓનો સમાવેશ છે. ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને પણ થોડા દિવસ પહેલાં સૂર્યવંશીની બેટિંગની પ્રશંસા કરી હતી અને તેને ભવિષ્યમાં T20 ક્રિકેટના શ્રેષ્ઠ બેટરોમાંથી એક બનવાની ક્ષમતા ધરાવતો ગણાવ્યો હતો. હવે ન્યૂઝીલેન્ડની બાઉન્સી પીચ પર સૂર્યવંશીને તક મળે છે કે નહીં અને મળે તો તે ઝડપી બોલિંગ સામે કેવો દેખાવ કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Team Indiaનો વર્લ્ડ રેકોર્ડ,T20Iમાં 200 જીત મેળવનારી દુનિયાની પ્રથમ ટીમ બની