ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં ઋષભ પંતે શાનદાર સદી ફટકારીને ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. જોકે, તેની સદી કરતાં પણ વધુ ચર્ચા પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરની પ્રતિક્રિયાની થઈ રહી છે. પંતે છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી ત્યારે ગાવસ્કરે હસતાં હસતાં તાળીઓ પાડીને તેનું અભિવાદન કર્યું હતું. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો એટલા માટે પણ ખાસ છે કારણ કે 2024-25ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પંતના એક બિનજરૂરી આક્રમક શોટથી ગાવસ્કર ખૂબ નારાજ થયા હતા. તે સમયે તેમણે પંતને 'સ્ટુપિડ' કહીને તેની આકરી ટીકા કરી હતી. હવે પંતની શાનદાર સદી પર ગાવસ્કરની પ્રતિક્રિયા ચર્ચાનો વિષય બની છે.
છગ્ગો ફટકારીને પૂરી કરી સદી
વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઋષભ પંત 55 રન બનાવીને અણનમ હતો. ચોથા દિવસે તેણે નાઇટવોચમેન અંશુલ કંબોજ સાથે બેટિંગ આગળ વધારી હતી.પંતે શરૂઆતમાં સંભાળીને રમ્યા બાદ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. તેણે મેદાનના ચારે તરફ શોટ્સ ફટકારીને ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ વધાર્યું હતું. ખાસ વાત એ રહી કે તેણે પોતાની સદીની નજીક પહોંચવા માટે રિવર્સ સ્વીપ સહિતના આક્રમક શોટ્સ રમ્યા હતા.ત્યારબાદ ઓફ સ્પિનરની બોલ પર મિડ-ઓફ ઉપરથી જોરદાર છગ્ગો ફટકારીને માત્ર 135 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે તેનું અભિવાદન કર્યું હતું.
ગાવસ્કરે પણ ઊભા રહીને વગાડી તાળીઓ
પંતે સદી પૂરી કર્યા બાદ આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો હતો. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ તેની ઇનિંગથી પ્રભાવિત જોવા મળ્યા હતા. તેમણે હસતાં હસતાં તાળીઓ પાડીને પંતની સદીનું સ્વાગત કર્યું હતું.પંતની આ પ્રતિક્રિયા અને ગાવસ્કરની તાળીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ બંને વચ્ચેના જૂના પ્રસંગને યાદ કરીને આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.પંતની શાનદાર ઇનિંગનો અંત 128 રન પર આવ્યો હતો. રાચિન રવિન્દ્રની બોલિંગમાં નાથન સ્મિથે તેનો કેચ પકડ્યો હતો. પંતે પોતાની ઇનિંગમાં 153 બોલનો સામનો કર્યો હતો.
https://x.com/mufaddal_vohra/status/2124317232591483329?a=k5NMEJ3N4xxEm-rRKwY&s=20
જ્યારે ગાવસ્કરે પંતને કહ્યું હતું 'સ્ટુપિડ'
ગાવસ્કરની આ વખતની પ્રતિક્રિયા 2024-25ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના જૂના પ્રસંગને કારણે વધુ ચર્ચામાં છે. તે સમયે પંતે બિનજરૂરી આક્રમક શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. આ જોઈને ગાવસ્કર કોમેન્ટ્રી દરમિયાન ખૂબ નારાજ થયા હતા.તેમણે પંતની ટીકા કરતાં કહ્યું હતું, 'સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ. તમારી સામે બે ફિલ્ડર ઊભા છે અને તેમ છતાં તમે આવો શોટ રમો છો. આ મૂર્ખતાભર્યો શોટ છે. તેનાથી તમારી ટીમને મોટું નુકસાન થાય છે.તે સમયની આકરી ટીકા અને હવે સદી બાદ ગાવસ્કરની તાળીઓ વચ્ચેનો તફાવત ચાહકોને ચર્ચા માટે નવો વિષય આપી રહ્યો છે.
પંતે રચ્યો ખાસ રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ સામેની આ સદી સાથે ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. તે ચારેય SENA દેશો એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટર બન્યો છે.ઇજામાંથી સાજા થયા બાદ મેદાન પર પરત ફરેલા પંતે પોતાની આ ઇનિંગથી ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતીય ટેસ્ટ ટીમ માટે કેટલો મહત્વપૂર્ણ ખેલાડી છે.
આ પણ વાંચો- IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સનો માસ્ટરસ્ટ્રોક! રિકી પોન્ટિંગને મળ્યો દિગ્ગજનો સાથ