ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા હાલમાં 2-0થી આગળ છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે મંગળવારે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાવાની છે. આ મેચ જીતીને ભારતીય ટીમ સીરિઝ પોતાના નામે કરવા માગશે. બીજી તરફ ક્રિકેટ ચાહકોની નજર ફરી એકવાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે. કારણ કે આ મેચમાં વિરાટ પાસે એક એવો વિશ્વવિક્રમ બનાવવાની તક છે,જે આજ સુધી દુનિયાનો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી.વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં વધુ 22 રન બનાવી લે તો વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે 2000 રન પૂરા કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની જશે.
ન્યૂઝીલેન્ડ સામે 2000 રન પૂરા કરવાની તક
વિરાટ કોહલીએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે 38 વનડે મેચમાં 56ની શાનદાર સરેરાશથી 1978 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 7 સદી અને 11 અડધી સદી પણ આવી છે. હવે તે 2000 રનના ઐતિહાસિક આંકડાથી માત્ર 22 રન દૂર છે.આ યાદીમાં વિરાટ કોહલી હાલમાં પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 1971 રન સાથે બીજા સ્થાને છે. જ્યારે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર 1750 રન સાથે ત્રીજા સ્થાને છે.જો હેમિલ્ટનમાં વિરાટ 22 રન બનાવી લે છે તો તે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 2000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બનીને ઇતિહાસ રચશે.

