ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ પાવર કપલે મુંબઈના વર્સોવા વિસ્તારમાં 18.29 કરોડ રૂપિયાની કિંમતે એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ એપાર્ટમેન્ટ અંધેરી વેસ્ટમાં એક પ્રીમિયમ પ્રોજેક્ટ ગોદરેજ સ્કાયશોરના ઉપરના માળે આવેલું છે. આ સ્ટાર કપલ તેમના બે બાળકોને મીડિયા અને ચમકધમકથી દૂર રાખવા માટે છેલ્લા કેટલાક સમયથી લંડનમાં રહે છે. પરંતુ આ ડીલ પછી તેવી અટકળો તેજ થઈ રહી છે કે શું તેઓ ભારત પાછા ફરવાનું વિચારી રહ્યા છે.
વિરાટ-અનુષ્કાના નવા ઘરમાં શું ખાસ છે?
વિરાટ અને અનુષ્કાની માલિકીનો આ ફ્લેટ 2,644 ચોરસ ફૂટના વિશાળ કાર્પેટ એરિયામાં ફેલાયેલો છે. આ એપાર્ટમેન્ટમાં 316 ચોરસ ફૂટનો એક્સક્લુઝિવ એરિયા અને 3 કાર પાર્કિંગ જગ્યાઓ પણ છે. આ મિલકત 21 જુલાઈ, 2026 ના રોજ સત્તાવાર રીતે રજીસ્ટર થઈ હતી. દસ્તાવેજો મુજબ વિરાટ અને અનુષ્કાએ આ વ્યવહાર માટે 1.09 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવી હતી.
વર્સોવામાં આ નવી મિલકત ખરીદવાના સમાચાર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સને આશ્ચર્ય થવા લાગ્યું કે શું વિરાટ અને અનુષ્કા ભારત પરત આવી રહ્યા છે. પરંતુ આ બાબતે બંનેમાંથી કોઈ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. વધુમાં મુંબઈમાં આ તેમનું પહેલું ઘર નથી. આ કપલે અગાઉ વર્લી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.
વિરાટ ક્યારે મેદાન પર જોવા મળશે?
ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલી તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની 3 મેચની ODI સિરીઝમાં જોવા મળ્યો હતો. તે સિરીઝમાં તેને 48.00 ની એવરેજ અને 109.09 ના સ્ટ્રાઈક રેટથી કુલ 144 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝના ભારતના પ્રવાસ (3 ODI અને 5 T20I મેચની સિરીઝ) દરમિયાન તે ફરીથી એક્શનમાં આવે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?