ભારતીય ક્રિકેટમાં આગામી સમય માટે સૌથી મોટી ચર્ચાઓમાંથી એક છે કે વિરાટ કોહલી બાદ નંબર-3ની જવાબદારી કોણ સંભાળશે? લાંબા સમયથી વિરાટ કોહલી ભારતીય ટીમમાં આ ક્રમ પર રમતા આવ્યા છે અને તેમણે નંબર-3ને પોતાની ખાસ ઓળખ બનાવી છે. હવે ટીમ ઈન્ડિયામાં પરિવર્તનના સમયગાળાને લઈને ચર્ચા શરૂ થઈ છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે નંબર-3 માટે યુવા બેટ્સમેનનું નામ સૂચવ્યું છે.
તિલક વર્મા સંભાળી શકે છે નંબર-3
વસીમ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે તિલક વર્માને નંબર-3 પર રમાડવો જોઈએ. જાફરના મતે તિલકની સૌથી મોટી ખાસિયત તેની બેટિંગમાં રહેલી લવચીકતા છે.તિલક વર્મા નંબર-3 પર સદી ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે નંબર-5 અને નંબર-6 પર પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. જાફરના મતે વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ભારતીય બેટિંગ ક્રમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.જાફરે કહ્યું કે રોહિત શર્માની જગ્યાએ યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીને તક મળી શકે છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીના નંબર-3 સ્થાન માટે ડાબોડી બેટ્સમેનની પસંદગી થઈ શકે છે અને તેમના મતે તિલક વર્મા આ ભૂમિકા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે.

તિલકમાં છે બે મોટી ખાસિયતો
વસીમ જાફરે તિલક વર્માને નંબર-3 માટે યોગ્ય માનવા પાછળ બે મહત્વના કારણો આપ્યા છે.પહેલું કારણ છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તિલકનું સતત સારું પ્રદર્શન. તિલકની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સરેરાશ 55ની આસપાસ હોવાનું જણાવાયું છે. દુલીપ ટ્રોફીમાં પણ તેણે મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. આ પ્રદર્શનથી તે લાંબા ફોર્મેટમાં પણ પોતાની ક્ષમતા દર્શાવી ચૂક્યો છે.બીજું કારણ છે તિલકનું ડાબોડી બેટિંગ. ભવિષ્યમાં ભારતીય ટીમના ટોચના ક્રમમાં જમોડી બેટ્સમેનોની સંખ્યા વધારે રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ડાબોડી બેટ્સમેન ટીમના બેટિંગ ક્રમમાં વિવિધતા લાવી શકે છે.
એશિયન ગેમ્સની ફાઇનલમાં શાનદાર બેટિંગ
તિલક વર્માએ એશિયન ગેમ્સ 2026ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલમાં પણ પોતાની ક્ષમતા દર્શાવી હતી. ભારતીય ટીમે શરૂઆતની વિકેટ ગુમાવ્યા બાદ તિલકે ઝડપી બેટિંગ કરી અને 22 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા.તિલકની આક્રમક ઇનિંગ્સના કારણે ભારતીય ટીમને મોટો સ્કોર બનાવવામાં મદદ મળી હતી. ભારતે આ મેચ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.આ મેચમાં અભિષેક શર્માએ પણ શાનદાર બેટિંગ કરતા 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. વસીમ જાફરે અભિષેકના પ્રદર્શના પણ વખાણ કર્યા હતા. જાફરના મતે અભિષેક હવે દરેક બોલ પર મોટો શોટ રમવાની માનસિકતા કરતાં વધુ પરિપક્વ બેટિંગ તરફ આગળ વધી રહ્યો છે.વિરાટ કોહલી બાદ નંબર-3ની જગ્યા માટે અંતિમ નિર્ણય પસંદગીકારો લેશે, પરંતુ વસીમ જાફર દ્વારા તિલક વર્માનું નામ સામે આવતા ભારતીય ક્રિકેટમાં ભવિષ્યના બેટિંગ ક્રમ અંગે ચર્ચા વધુ રસપ્રદ બની છે.
આ પણ વાંચો - Team India Selection: શું પ્રસિદ્ધ કૃષ્ણા ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ રમશે? સામે આવ્યું મોટું કારણ