ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના ભવિષ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને 2027માં રમાનારા વનડે વર્લ્ડ કપ બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે કે નહીં તે અંગે ચાહકોમાં ઉત્સુકતા છે. હવે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી વિરાટના ચાહકોને રાહત મળી શકે છે.વિરાટ કોહલી હાલમાં ભારતીય ટીમ માટે માત્ર વનડે ફોર્મેટમાં રમી રહ્યા છે. તેમણે વર્ષ 2024માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અને વર્ષ 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તેમનું સમગ્ર ધ્યાન વનડે ક્રિકેટ પર છે. આવી સ્થિતિમાં 2027ના વર્લ્ડ કપ બાદ પણ તેઓ રમવાનું ચાલુ રાખશે કે નહીં તે મોટો સવાલ છે.

કોચ રાજકુમાર શર્માએ શું કહ્યું?

દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના એક કાર્યક્રમ દરમિયાન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ તેમના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી.રાજકુમાર શર્માએ જણાવ્યું કે વિરાટે કહ્યું હતું કે 2027નો વર્લ્ડ કપ તેમની છેલ્લી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ હશે, ભારત માટેની છેલ્લી મેચ નહીં.તેમણે વધુમાં સમજાવ્યું કે વર્લ્ડ કપ દર વર્ષે રમાતો નથી. ચાર વર્ષે એકવાર યોજાતી આ ટુર્નામેન્ટમાં રમવાની તક દરેક ખેલાડી માટે ખાસ હોય છે. તેથી વિરાટના નિવેદનનો અર્થ એવો નથી કે તેઓ વર્લ્ડ કપ બાદ તરત જ ક્રિકેટને અલવિદા કહી દેશે.આ નિવેદન બાદ વિરાટના સંન્યાસને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ છે. જોકે, વિરાટ કોહલીએ પોતે નિવૃત્તિ અંગે કોઈ અંતિમ જાહેરાત કરી નથી.

ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝમાં રમી રહ્યા છે વિરાટ

હાલમાં વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે. આ સિરીઝની પ્રથમ મેચમાં તેમણે શાનદાર બેટિંગ કરતાં 74 રન બનાવ્યા હતા.જોકે, બીજી મેચમાં તેમનું બેટ શાંત રહ્યું હતું અને તેઓ માત્ર 7 રન બનાવીને આઉટ થયા હતા. ત્રીજી મેચ વરસાદના કારણે રદ થઈ હતી, જેના કારણે વિરાટને બેટિંગ કરવાની તક મળી નહોતી.હવે બાકીની મેચોમાં તેમના પ્રદર્શન પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

2027 વર્લ્ડ કપ પર રહેશે વિરાટનું ધ્યાન

વિરાટ કોહલી માટે આગામી મોટું લક્ષ્ય 2027નો વનડે વર્લ્ડ કપ હોઈ શકે છે. તેમની પાસે આ ટુર્નામેન્ટમાં વધુ એક વખત ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક રહેશે.હવે જોવાનું એ રહેશે કે વિરાટ 2027 વર્લ્ડ કપ બાદ પણ વનડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખે છે કે નહીં. જોકે, કોચ રાજકુમાર શર્માના નિવેદનથી એટલું સ્પષ્ટ થાય છે કે વર્લ્ડ કપને તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માની લેવી યોગ્ય નથી.

આ પણ વાંચો - IPL 2027 MEGA TRADE : મુંબઈ અને પંજાબ વચ્ચે મહાડિલ! હાર્દિક-અર્શદીપની અદલાબદલી, બંનેને મળશે કરોડો