ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે શ્રેણીનો અંતિમ મુકાબલો 15 નવેમ્બરે માઉન્ટ મૌનગાનુઈના બે ઓવલ મેદાન પર રમાશે. આ મેચમાં ભારતીય ટીમની નજર શ્રેણી 3-1થી જીતવા પર રહેશે. જોકે, આ મુકાબલો ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે પણ ખૂબ જ ખાસ બની શકે છે. વિરાટ પાસે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાની તક છે. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવવા માટે તેણે માત્ર 58 રન બનાવવાના છે.
અંતિમ મેચમાં વિરાટ પાસે મોટી તક
ન્યૂઝીલેન્ડે ચોથી વનડેમાં ભારતીય ટીમને 244 રનના મોટા અંતરથી હરાવીને શ્રેણીમાં વાપસી કરી હતી. આથી છેલ્લી મેચમાં ભારત માટે જીત મેળવવી સરળ નહીં હોય. ખાસ કરીને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી સામે ભારતીય બેટ્સમેનોએ સાવધાની રાખવી પડશે. બીજી તરફ વિરાટ કોહલીના બેટમાંથી પણ છેલ્લા બે મુકાબલામાં મોટી ઇનિંગ જોવા મળી નથી. હવે ચાહકોને આશા છે કે વિરાટ અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કરશે.
માત્ર 58 રન બનાવતાં જ સચિનને પાછળ છોડી દેશે વિરાટ
ન્યૂઝીલેન્ડની ધરતી પર વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં હાલમાં સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિને ન્યૂઝીલેન્ડમાં યજમાન ટીમ સામે કુલ 18 વનડે મેચ રમીને 38.35ની સરેરાશથી 652 રન બનાવ્યા છે.આ યાદીમાં બીજા સ્થાને વીરેન્દ્ર સેહવાગ છે, જેણે 598 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલી હાલમાં ત્રીજા સ્થાને છે.વિરાટે ન્યૂઝીલેન્ડની ધરતી પર અત્યાર સુધી 15 વનડે મેચની 14 ઇનિંગ્સમાં 42.50ની સરેરાશથી 595 રન બનાવ્યા છે. હવે સચિનનો રેકોર્ડ તોડવા માટે તેને માત્ર 58 રનની જરૂર છે.વિરાટ જો અંતિમ વનડેમાં 58 રન બનાવશે તો તે સચિનને પાછળ છોડીને આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. આમ તેની પાસે ન્યૂઝીલેન્ડની ધરતી પર નવો ઇતિહાસ રચવાની તક છે.

માઉન્ટ મૌનગાનુઈમાં ભારતનો રેકોર્ડ 50-50
ભારતીય ટીમ માટે છેલ્લી વનડેમાં વિરાટનો રેકોર્ડ જ નહીં, પરંતુ મેચનું પરિણામ પણ મહત્ત્વનું રહેશે. માઉન્ટ મૌનગાનુઈના બે ઓવલ મેદાન પર ભારતીય ટીમનો અત્યાર સુધીનો રેકોર્ડ સરખો રહ્યો છે.ભારતે આ મેદાન પર કુલ 4 વનડે મેચ રમી છે. જેમાં પ્રથમ બે મેચમાં જીત મેળવી હતી, જ્યારે ત્યારબાદની બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.બીજી તરફ ન્યૂઝીલેન્ડનો આ મેદાન પર રેકોર્ડ સારો રહ્યો છે. યજમાન ટીમે અહીં કુલ 13 વનડે મેચ રમી છે, જેમાંથી 8 મેચમાં જીત મેળવી છે અને 5 મેચમાં હારનો સામનો કર્યો છે.
વિરાટ કોહલીની વાપસી પર રહેશે સૌની નજર
ચોથી વનડેમાં ભારતીય ટીમની કારમી હાર બાદ હવે વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો વિરાટ પોતાની જૂની લયમાં પાછો ફરે તો ભારતને શ્રેણી જીતવામાં મદદ મળી શકે છે.આ ઉપરાંત 58 રન બનાવીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક પણ તેની પાસે છે. હવે જોવાનું રહેશે કે 15 નવેમ્બરે વિરાટ કોહલી આ તકનો લાભ ઉઠાવીને નવો ઇતિહાસ રચે છે કે નહીં.
આ પણ વાંચો - U19 Asia Cup Final: ભારત સામે ફટકારી શાનદાર સદી, કોણ છે પાકિસ્તાની ક્રિકેટર ઉસ્માન ખાન?