અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો છે. આ ખિતાબી મેચમાં પાકિસ્તાનના 18 વર્ષના યુવા બેટ્સમેન ઉસ્માન ખાને પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય બોલરો સામે શાનદાર બેટિંગ કરતાં તેણે સદી ફટકારી હતી. તેની આ ઇનિંગના કારણે પાકિસ્તાન મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. ઉસ્માન ખાને 111 બોલમાં 107 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

ઉસ્માન ખાન ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન 

ઉસ્માન ખાન આ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. ફાઇનલ પહેલાં પણ તેણે સતત રન બનાવીને પાકિસ્તાનની બેટિંગને મજબૂતી આપી હતી. ચાલો જાણીએ કે આખરે કોણ છે આ યુવા બેટ્સમેન અને અંડર-19 ક્રિકેટમાં તેનો અત્યાર સુધીનો રેકોર્ડ કેવો રહ્યો છે.

કોણ છે 18 વર્ષનો ઉસ્માન ખાન?

પાકિસ્તાનના યુવા ક્રિકેટર ઉસ્માન ખાનનો જન્મ 20 માર્ચ 2008ના રોજ પેશાવરમાં થયો હતો. તે ડાબોડી બેટ્સમેન છે અને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે જાણીતો છે. બેટિંગ ઉપરાંત તે લેગ સ્પિન બોલિંગ પણ કરી શકે છે.ઉસ્માન લાંબા સમયથી પાકિસ્તાનની અંડર-19 ટીમનો ભાગ રહ્યો છે. તેણે 2024, 2025 અને 2026ના અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત તે 2026ના ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનની ટીમનો હિસ્સો હતો.ઉસ્માને અંડર-13 અને અંડર-16 સ્તરે પ્રાદેશિક ક્રિકેટમાં પણ પોતાની પ્રતિભા બતાવી હતી. તેની બેટિંગની ખાસિયત એ છે કે તે જરૂરિયાત પ્રમાણે આક્રમક બેટિંગ કરવાની સાથે લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા પણ ધરાવે છે.

https://x.com/CallMeSheri1_/status/2121502192502767634?a=luq4UOwfEpPEYwgkYL4&s=20

ભારત સામે ફાઇનલમાં ફટકારી 107 રનની સદી

ભારત સામેની ફાઇનલમાં ઉસ્માન ખાન શરૂઆતથી જ આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે ભારતીય બોલરો સામે શાનદાર રમત બતાવીને 111 બોલમાં 107 રન બનાવ્યા હતા.તેની આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઇક રેટ 96.40 રહ્યો હતો. ઉસ્માનને અબ્દુલ કાદિરનો પણ સારો સાથ મળ્યો હતો. બંને વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.અબ્દુલ કાદિરે પણ શાનદાર બેટિંગ કરતાં 80 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન ફરહાન યુસુફે 63 રનની ઇનિંગ રમી હતી. આ ત્રણેય બેટ્સમેનોના યોગદાનથી પાકિસ્તાનની ટીમ મોટો સ્કોર ઊભો કરવામાં સફળ રહી હતી.

પાકિસ્તાનને મળ્યો ભવિષ્યનો સ્ટાર બેટ્સમેન?

માત્ર 18 વર્ષની ઉંમરે ઉસ્માન ખાને જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે પાકિસ્તાન ક્રિકેટ માટે સારા સંકેત સમાન છે. સતત ત્રણ અંડર-19 એશિયા કપમાં રમવાનો અનુભવ અને 2026ની ટૂર્નામેન્ટમાં 345 રન બનાવવાની સિદ્ધિ તેની ક્ષમતા દર્શાવે છે.ભારત સામેની ફાઇનલમાં સદી ફટકારીને તેણે પોતાની પ્રતિભાનો વધુ એક પરિચય આપ્યો છે. હવે જોવાનું રહેશે કે અંડર-19 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ઉસ્માન સિનિયર ક્રિકેટમાં પણ આવો જ જલવો બતાવી શકે છે કે નહીં.

આ પણ વાંચો - David Warner : સેન્ડપેપર કાંડ અંગે ડેવિડ વોર્નરનો ખુલાસો, 'ઓસ્ટ્રેલિયા ખોટી....'