ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિને લઈને ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફરે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને તેમની સિલેક્શન કમિટીની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જાફરના મતે, વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટને આટલી વહેલી અલવિદા કહેવા માટે રાજી નહોતો, પરંતુ પસંદગી સમિતિ દ્વારા તેની સાથે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો તેનાથી નારાજ થઈને તેણે આ મોટું પગલું ભર્યું હોઈ શકે છે

દિગ્ગજની નિવૃત્તિથી હચમચી ગયું હતું ક્રિકેટ જગત

ગયા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત થાય તે પહેલાં જ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો હતો. તેના થોડા સમય પહેલાં જ રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. અગાઉ એવા અહેવાલો હતા કે વિરાટ કોહલી હજુ લાંબો સમય ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતો હતો અને તેનું લક્ષ્ય ટેસ્ટમાં એક મોટો માઇલસ્ટોન પાર કરવાનું હતું.

10,000 ટેસ્ટ રનના ઐતિહાસિક લક્ષ્યથી કેટલો દૂર હતો વિરાટ?

નિવૃત્તિ લીધી ત્યારે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસના સૌથી મોટા રેકોર્ડની ખૂબ જ નજીક હતો ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનના આંકડા સુધી પહોંચવા માટે તેને વધુ 770 રનની જરૂર હતી. ભારત તરફથી સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ બેટરો ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. વિરાટ પણ આ યાદીમાં સ્થાન મેળવવાની દિશામાં આગળ વધી રહ્યો હતો.

વસીમ જાફરે સિલેક્ટર્સની દાનત પર કર્યા સવાલો

પોતાની યુટ્યુબ ચેનલ પર સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા વસીમ જાફરે જણાવ્યું કે, વિરાટ જેવા મહાન ખેલાડીને સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી. સિલેક્શન કમિટીના કડક વલણને કારણે વિરાટ નારાજ હતો.જોકે, આ સમગ્ર વિવાદ પર હજુ સુધી વિરાટ કોહલી કે અજિત અગરકર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી. પરંતુ વસીમ જાફરના આ નિવેદને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને પસંદગીકારોને કટોકટીમાં મૂકી દીધા છે અને ફેન્સ સોશિયલ મીડિયા પર અગરકરને ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો - Abhishek Sharmaની ઐતિહાસિક સિદ્ધિ, આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો