વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની વનડે સીરિઝ ભારતીય ટીમે 2-1થી જીતી,પરંતુ શ્રેણી દરમિયાન વિરાટ કોહલીની ફિલ્ડિંગ ચર્ચામાં રહી.કોહલીએ પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી અને સમગ્ર શ્રેણીમાં 168 રન બનાવ્યા હતા.જોકે ત્રીજી મેચમાં તેઓ પ્રથમ જ બોલે આઉટ થયા હતા.તેમ છતાં તેમની બેટિંગ કરતાં વધુ ચર્ચા તેમની ફિલ્ડિંગને લઈને થઈ.કોહલીએ સીરિઝની ત્રણેય મેચમાં એક-એક કેચ છોડ્યો.સતત ત્રણ મેચમાં કેચ ચૂકી જવાની આ ઘટના ચાહકો માટે આશ્ચર્યજનક રહી.જોકે માત્ર કોહલી જ નહીં,ભારતીય ટીમના અન્ય ખેલાડીઓએ પણ શ્રેણી દરમિયાન કેચની તકો ગુમાવી હતી.
પ્રથમ વનડેમાં બાઉન્ડરી પર કેચ છૂટ્યો
શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ બેટિંગ કરી રહી હતી.ઇનિંગ્સની 49મી ઓવરમાં આમિર જાંગુએ ડીપ સ્ક્વેર લેગ તરફ શોટ રમ્યો હતો.આ વિસ્તારમાં વિરાટ કોહલી ફિલ્ડિંગ કરી રહ્યા હતા.કોહલીએ બોલ સુધી પહોંચવા માટે ડાઇવ પણ લગાવી, પરંતુ તેઓ કેચ પકડી શક્યા નહીં. એટલું જ નહીં, બોલને રોકવામાં પણ તેઓ સફળ રહ્યા નહોતા અને પરિણામે બાઉન્ડરી મળી ગઈ.
બીજી મેચમાં શાઈ હોપનો કેચ છોડ્યો
બીજી વનડેમાં કોહલીની ભૂલ ભારત માટે વધુ મોંઘી સાબિત થઈ.નમન ધીરની બોલિંગ દરમિયાન શોર્ટ મિડ-ઓન પર કોહલી પાસે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપનો કેચ આવ્યો.હોપ ત્યારે માત્ર 29 રન પર બેટિંગ કરી રહ્યા હતા. કોહલી આ તક ઝડપી શક્યા નહીં અને ત્યારબાદ હોપે શાનદાર સદી ફટકારી. આ કારણે આ કેચ વધુ મહત્વપૂર્ણ બની ગયો.
ત્રીજી મેચમાં પણ કેચ છૂટ્યો
મુલ્લાંપુરમાં રમાયેલી ત્રીજી વનડેમાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો. 15મી ઓવરમાં ગુરનૂર બ્રારની બોલિંગ દરમિયાન આમિર જાંગુએ કટ શોટ રમ્યો. બેકવર્ડ પોઈન્ટ પર ઊભેલા કોહલી તરફ બોલ ગયો, પરંતુ તેઓ કેચ પકડી શક્યા નહીં.તે સમયે જાંગુ 35 રન પર હતા. બાદમાં તેમણે 67 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. જોકે રસપ્રદ વાત એ રહી કે અંતે જાંગુને રનઆઉટ કરનાર ખેલાડી પણ વિરાટ કોહલી જ હતા.
સતત કેચ છોડવાથી ફિટનેસ અંગે ચર્ચા
ત્રણેય મેચમાં કેચ છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકોએ કોહલીની ફિલ્ડિંગ અને ફિટનેસ અંગે સવાલો ઉઠાવ્યા. જોકે માત્ર આ ઘટનાઓના આધારે કોઈ ખેલાડીની ફિટનેસ અંગે ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.આ સમગ્ર શ્રેણીમાં ભારતીય ટીમે કુલ 7-8 કેચની તકો ગુમાવી હતી. એટલે ફિલ્ડિંગ માત્ર કોહલી માટે જ નહીં,પરંતુ સમગ્ર ટીમ માટે ચિંતાનો વિષય રહી.
શુભમન ગિલે પણ ફિલ્ડિંગ સુધારવા પર ભાર મૂક્યો
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી મેચ બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ ટીમની ફિલ્ડિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે ટીમે ઘણી કેચની તકો ગુમાવી અને વર્લ્ડ કપ પહેલાં આ વિભાગમાં સુધારો કરવાની જરૂર છે.ભારતીય ટીમે શ્રેણી 2-1થી જીતી હોવા છતાં ફિલ્ડિંગમાં થયેલી ભૂલો ટીમ મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ મુદ્દો બની છે. 2027ના વનડે વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ભારત માટે કેચિંગ અને ફિલ્ડિંગમાં સતત સુધારો કરવો મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો - Vaibhav Sooryavanshના ભવિષ્ય અંગે શ્રેયસ ઐયરે કહી આ મોટી વાત