ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે તાજેતરમાં ભારતની અંડર-19 ટીમ તરફથી ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં ભાગ લીધો હતો.3 મેચની આ સીરિઝમાં આર્યવીરે કુલ 109 રન બનાવ્યા હતા.તેના પ્રદર્શન બાદ પિતા વીરેન્દ્ર સેહવાગે પુત્રની રમત અને તેને આપેલી ખાસ સલાહ વિશે વાત કરી છે.સેહવાગે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલાં તેમણે આર્યવીરને એક મહત્વની વાત કહી હતી. તેમણે પુત્રને સલાહ આપી હતી કે મેદાન પર ખુલ્લી રીતે રમે અને મોટા સ્કોર બનાવવાના દબાણ વિશે વધારે ન વિચારે. સેહવાગના મતે જો બેટર પોતાના સ્વાભાવિક અંદાજમાં રમે તો મોટા રન કરવાની તક આપમેળે ઊભી થાય છે.
‘લોકો તમને પ્રેમ પણ કરશે અને નફરત પણ’
એક ઇન્ટરવ્યૂમાં વિરેન્દ્ર સેહવાગે આર્યવીર વિશે વાત કરતાં કહ્યું કે તેમને પોતાના પુત્ર પર ખૂબ ગર્વ છે.તેમણે આર્યવીરને સમજાવ્યું હતું કે દબાણ રમતનો એક ભાગ છે,પરંતુ મેદાન પર ખુલ્લા મનથી રમવું વધુ મહત્વનું છે.સેહવાગે પુત્રને એવી પણ સલાહ આપી હતી કે લોકો તેના પ્રદર્શન અંગે અલગ-અલગ અભિપ્રાય આપશે.કેટલાક લોકો તેની પ્રશંસા કરશે,જ્યારે કેટલાક લોકો ટીકા પણ કરશે.પરંતુ આર્યવીરે આ બધી વાતો પર પ્રતિક્રિયા આપવાને બદલે પોતાના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.સેહવાગની સલાહનો મુખ્ય સંદેશ એ હતો કે બહારના લોકો શું કહે છે તેના કરતાં ખેલાડીએ પોતાની રમત અને પ્રગતિ પર ધ્યાન આપવું જોઈએ.
