ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે એક યુવા ખેલાડીની આક્રમક બેટિંગથી પ્રભાવિત થઈને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સેહવાગના મતે 15 વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અદ્ભુત પ્રતિભા ધરાવે છે અને તેની બેટિંગ શૈલી બિલકુલ સેહવાગની યાદ અપાવે છે. સેહવાગે દાવો કર્યો છે કે આ યુવા ખેલાડી પોતાના દમદાર પ્રદર્શનના કારણે લાંબો સમય પ્લેઇંગ-11ની બહાર રહી શકે તેમ નથી.
વૈભવની બેટિંગ જોઈ સેહવાગને પોતાના દિવસો યાદ આવ્યા
પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાર્ષિક સત્ર દરમિયાન વાતચીત કરતા સેહવાગે વૈભવના મુક્તકંઠે વખાણ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17,000 થી વધુ રન બનાવનાર સેહવાગે જણાવ્યું કે વૈભવની વિચારસરણી પણ તેની જેમ જ 'ફર્સ્ટ બોલથી એટેક' કરવાની છે. તે મેદાનમાં આવતાની સાથે જ મોટા શોટ્સ રમવાનો પ્રયાસ કરે છે, જે તેને બીજા ખેલાડીઓથી અલગ પાડે છે.
ઉંમર નહીં, પ્રદર્શન મહત્વનું: સેહવાગ
વૈભવની નાની ઉંમર અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અંગે સેહવાગે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે વિરાટ કોહલીનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે વાત IPL કે ભારતીય ટીમની હોય ત્યારે ઉંમર નહીં પરંતુ ખેલાડીની ક્ષમતા અને તેનું ફોર્મ જ સૌથી મહત્વનું હોવું જોઈએ. સેહવાગે વૈભવને ભારત માટે લાંબી કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ પણ આપી છે.
ઇન્દોર T20માં ગંભીર વૈભવને તક આપશે?
વેસ્ટ ઇન્ડિઝ સામેની શરૂઆતની બંને T20 મેચમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું ન હતું. આજે ઇન્દોર ખાતે રમાનારી ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ તેને તક આપે છે કે નહીં તેના પર સૌ ક્રિકેટ ચાહકોની નજર રહેશે. સેહવાગના આ નિવેદન બાદ વૈભવને ટીમમાં સામેલ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો - Ranji Trophyમાં આ બે સ્ટાર ઓપનર્સ ફ્લોપ,એક તો ખાતું પણ ન ખોલાવી શક્યો