ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં 125 રનની શરમજનક હાર અને સતત ચોથો પરાજય બાદ,ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું છે.ગંભીરે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે સમસ્યા માત્ર ખરાબ ફોર્મ કે યુવા ખેલાડીઓની નથી,પરંતુ કંઈક અલગ જ છે.તેમણે પહેલીવાર ટીમ ઈન્ડિયાની એ સૌથી મોટી ખામી તરફ આંગળી ચીંધી છે, જેના કારણે ટીમ સતત મેચો ગુમાવી રહી છે.

મુખ્ય કોચે શું કહ્યું

મુખ્ય કોચે સાફ શબ્દોમાં જણાવ્યું કે,વર્તમાન ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ સાથે સરખાવી શકાય નહીં.તેમણે યાદ અપાવ્યું કે,હવે ટીમનો કેપ્ટન બદલાઈ ચૂક્યો છે, ઓપનિંગ જોડી તદ્દન નવી છે, અને હાર્દિક પંડ્યા કે જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓ અત્યારે ટીમનો હિસ્સો નથી. જ્યારે તમે ટીમને રીસેટ કરો છો, ત્યારે સમય આપવો પડે છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરી રહ્યો છે, પ્રિન્સ યાદવ તેની બીજી જ T20 મેચ રમ્યો અને હર્ષિત રાણા ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. માત્ર પરિણામ જોઈને આખી તસવીર સમજી શકાય નહીં.

આખરે ક્યાં થઈ રહી છે સૌથી મોટી ભૂલ?

ગંભીરે હારનું કારણ ટેકનિક કરતાં વધુ ખેલાડીઓની વિચારસરણી અને નિર્ણયોને ગણાવ્યું હતું. કોચના મતે, બેટ્સમેનો અને બોલરોએ એ સમજવું પડશે કે પિચ કેવું વર્તન કરી રહી છે, પવન કઈ દિશામાં છે, મેદાનની કઈ બાઉન્ડ્રી મોટી છે અને કયા સમયે જોખમ લેવું યોગ્ય રહેશે. T20 ક્રિકેટમાં આ નાની-નાની બાબતો જ મોટો તફાવત ઊભો કરે છે. તેમણે ઉમેર્યું કે, આપણે આયર્લેન્ડ પ્રવાસથી જ પરિસ્થિતિઓ મુજબ પોતાને ઢાળી શક્યા નથી.

https://x.com/virender_swag/status/2074703213866123491?s=20


ઇંગ્લેન્ડ સામે યુવા ખેલાડીઓની કસોટી 

ગંભીરનું માનવું છે કે જો ભવિષ્યની મજબૂત ટીમ તૈયાર કરવી હોય, તો યુવા ખેલાડીઓને વિશ્વની આવી દિગ્ગજ ટીમો સામે જ તક આપવી પડશે. ઇંગ્લેન્ડ જેવી ટીમ સામે રમવાથી જ ખેલાડીઓનો વિકાસ થશે અને આ પ્રક્રિયામાં કેટલીક હાર સ્વીકારવી જ પડશે.

ફ્લોપ શો વચ્ચે પ્રિન્સ યાદવ પર ભરોસો

ભલે ભારતની બેટિંગ લાઈન-અપ પત્તાની જેમ વિખેરાઈ ગઈ, પરંતુ યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે પોતાની બીજી જ મેચમાં પ્રભાવિત કર્યા હતા. તેણે પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરીને 2 વિકેટ ઝડપી હતી. ગંભીરે પ્રિન્સના વખાણ કરતા કહ્યું કે, માત્ર આંકડા નહીં પણ એ જુઓ કે પ્રિન્સે કેટલા મુશ્કેલ સમયમાં બોલિંગ કરી છે. આ યુવા બોલરનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.

આ પણ વાંચો - Shreyas Iyerની કેપ્ટનશીપ પર સવાલ, BCCIએ કોને સોંપી જવાબદારી?