ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ પૂરી થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ચાહકોની નજર શ્રીલંકા સામેની ઘરઆંગણે રમાનારી વનડે સિરીઝ પર છે. ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં સ્થાન મેળવશે કે નહીં, તે સવાલ ચર્ચાના કેન્દ્રમાં છે. પસંદગી સમિતિ 29 નવેમ્બરે બંને ફોર્મેટની ટીમ પસંદ કરવાની હતી, પરંતુ આ બેઠક હવે મુલતવી રાખવામાં આવી છે. BCCIએ બેઠક પાછળનું કારણ કે નવી તારીખ જાહેર કરી નથી. એટલે ટીમની જાહેરાત ક્યારે થશે તેની રાહ જોવી પડશે.
પસંદગી સમિતિની બેઠક કેમ મુલતવી રહી?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિનિયર પુરુષ પસંદગી સમિતિની બેઠક 29 નવેમ્બરે યોજાવાની હતી. આ બેઠકમાં શ્રીલંકા સામેની ODI અને T20I સિરીઝ માટે ટીમ નક્કી થવાની હતી. જોકે, હવે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. BCCIએ આ નિર્ણય પાછળનું કારણ જણાવ્યું નથી. નવી બેઠક ક્યારે મળશે અને ટીમની જાહેરાત ક્યારે થશે તે અંગે પણ સત્તાવાર માહિતી સામે આવી નથી.
રોહિત અને વિરાટની પસંદગી પર નજર
આ પસંદગીમાં સૌથી વધુ ચર્ચા રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને છે. બંને ખેલાડીઓ તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ODI સિરીઝમાં રમ્યા હતા. ભારતે આ સિરીઝ 3-1થી જીતી હતી, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું. જોકે, બંને બેટર્સનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નહોતું. રોહિતે ચાર ઇનિંગ્સમાં માત્ર 30 રન બનાવ્યા હતા અને તેની સરેરાશ 7.50 રહી હતી. બીજી તરફ, વિરાટ કોહલીએ ચાર ઇનિંગ્સમાં 86 રન બનાવ્યા હતા અને તેની સરેરાશ 21.50 હતી. બંને ખેલાડીઓ ચોથી ODIમાં શૂન્ય પર આઉટ થયા હતા. આ પ્રદર્શનને કારણે શ્રીલંકા સામેની ટીમમાં તેમના સ્થાન અંગે ચર્ચા થઈ રહી છે. જોકે, બંનેને પડતા મૂકવામાં આવશે તેવા કોઈ સંકેત કે સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.
ગિલની વાપસી, યુવા ખેલાડીઓને પણ તક?
શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી બે ODIમાં ટેસ્ટ સિરીઝની તૈયારીને કારણે રમ્યો નહોતો. શ્રીલંકા સામે તે ફરી કેપ્ટન તરીકે ટીમમાં પરત ફરી શકે છે. ગિલની ગેરહાજરીમાં શ્રેયસ અય્યરે ટીમનું નેતૃત્વ કર્યું હતું. હવે તે ફરી વાઇસ-કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી શકે છે. KL રાહુલ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ પસંદગી માટે ઉપલબ્ધ હોઈ શકે છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામે સારી બોલિંગ કરનાર ગુરનૂર બ્રાર, હર્ષિત રાણા અને અંશુલ કંબોજ જેવા યુવા ખેલાડીઓનાં નામ પર પણ વિચાર થઈ શકે છે. 2027ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો નવા ખેલાડીઓને તક આપે છે કે અનુભવી ખેલાડીઓ પર જ વિશ્વાસ રાખે છે તે જોવાનું રહેશે.
13 ડિસેમ્બરથી શરૂ થશે ODI સિરીઝ
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાશે. પ્રથમ મેચ 13 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં, બીજી 16 ડિસેમ્બરે બેંગલુરુમાં અને ત્રીજી 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ ત્રણ મેચની T20I સિરીઝ 22 ડિસેમ્બરથી રાજકોટમાં શરૂ થશે. બીજી મેચ 24 ડિસેમ્બરે કટક અને ત્રીજી મેચ 27 ડિસેમ્બરે પુણેમાં રમાશે. હવે પસંદગી સમિતિની નવી બેઠક અને ટીમની સત્તાવાર જાહેરાતની રાહ છે.
આ પણ વાંચો: GTAને ટક્કર આપવા આવી રહી છે રામાયણ? જટાયુ સાથે ઉડશે ખેલાડીઓ, રાવણ સામે લડવાની મળશે તક!