વિશ્વભરમાં GTA જેવી ગેમ્સની લોકપ્રિયતા વચ્ચે હવે ભારતીય પૌરાણિક કથા રામાયણને પણ ગેમિંગની દુનિયામાં લઈ જવાની તૈયારી છે. કલ્પના કરો કે તમે ગેમની અંદર જટાયુ સાથે આકાશમાં ઉડાન ભરો, રામાયણની દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં ફરો અને રાવણ સામે યુદ્ધ કરો. આ માત્ર કોઈ ચાહકની કલ્પના નથી, પરંતુ રામાયણ ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ પોતે આ પ્રકારના ગેમિંગ પ્રોજેક્ટની પુષ્ટિ કરી છે. જોકે, GTA સાથે સરખામણી કરવામાં આવી હોવા છતાં આ ગેમ ખરેખર કેટલી વિશાળ અને ખુલ્લી દુનિયા ધરાવશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. 

GTA જેવી ગેમ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?

નમિત મલ્હોત્રાએ દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યૂમાં રામાયણ ફ્રેન્ચાઇઝીના ભવિષ્ય અંગે વાત કરતાં આ ગેમની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે દરેક બાળક GTA રમે છે તેવી જ રીતે રામાયણની ગેમ પણ રમે. આ ગેમ દ્વારા બાળકો મનોરંજનની સાથે રામાયણની કથા અને તેના પાત્રો વિશે પણ જાણી શકે તેવો તેમનો હેતુ છે. મલ્હોત્રાના જણાવ્યા પ્રમાણે, ગેમનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. જોકે, તેમણે ગેમનું નામ કે તેને બનાવતી કંપની વિશે કોઈ માહિતી આપી નથી. તેમણે એટલું જ કહ્યું કે યોગ્ય સમયે આ પ્રોજેક્ટ વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

જટાયુ સાથે ઉડાન અને રાવણ સામે યુદ્ધ!

આ ગેમ અંગેની સૌથી રસપ્રદ વાત તેના સંભવિત ગેમપ્લેને લઈને છે. મલ્હોત્રાએ ઉદાહરણ આપતાં જણાવ્યું કે ખેલાડીઓ જટાયુ સાથે ઉડી શકશે અને રાવણ સામે લડી શકશે. એટલે કે, રામાયણની જાણીતી ઘટનાઓ અને પાત્રોને ગેમિંગના માધ્યમથી અનુભવવાનો પ્રયાસ કરવામાં આવશે. રામાયણમાં જટાયુએ સીતાનું હરણ કરીને લઈ જતા રાવણને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગને ગેમમાં કેવી રીતે રજૂ કરવામાં આવશે તે જોવાનું રસપ્રદ રહેશે. શું ખેલાડીઓ અલગ-અલગ પાત્રોનું નિયંત્રણ મેળવી શકશે? શું તેમને રામાયણની કથાના આધારે મિશન આપવામાં આવશે? આ સવાલોના જવાબ હજુ મળ્યા નથી.

શું ખરેખર GTA જેવી ઓપન વર્લ્ડ ગેમ હશે?

અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. નમિત મલ્હોત્રાએ ગેમની સરખામણી GTA સાથે કરી છે, પરંતુ તે સંપૂર્ણ ઓપન વર્લ્ડ ગેમ હશે તેવી સત્તાવાર પુષ્ટિ કરી નથી. GTA જેવી ગેમમાં ખેલાડીઓને વિશાળ વર્ચ્યુઅલ દુનિયામાં પોતાની રીતે ફરવા અને વિવિધ મિશન પૂર્ણ કરવાની તક મળે છે. રામાયણ ગેમમાં પણ આવો અનુભવ મળશે કે પછી તે વાર્તા આધારિત એક્શન ગેમ હશે, તે હજુ નક્કી નથી. ગેમ કયા પ્લેટફોર્મ પર આવશે, એટલે કે PC, PlayStation, Xbox કે મોબાઇલ પર ઉપલબ્ધ થશે કે નહીં, તેની પણ માહિતી આપવામાં આવી નથી. રિલીઝની તારીખ અને ગેમની કિંમત અંગે પણ કોઈ જાહેરાત થઈ નથી. તેથી અત્યારે તેને GTAની સીધી સ્પર્ધક ગેમ ગણવી ઉતાવળ ગણાશે.

ફિલ્મથી આગળ રામાયણનું મોટું વિશ્વ બનાવવાની યોજના

નમિત મલ્હોત્રાની યોજના રામાયણને માત્ર ફિલ્મ સુધી મર્યાદિત રાખવાની નથી. તેઓ આ કથાને ગેમિંગ સહિત મનોરંજનનાં અલગ-અલગ માધ્યમો સુધી લઈ જવા માગે છે. તેમના મતે ગેમિંગ ઉદ્યોગનું કદ ફિલ્મ ઉદ્યોગ કરતાં પણ મોટું બની ગયું છે. આથી યુવા પેઢી સુધી પહોંચવા માટે વીડિયો ગેમ એક મહત્વનું માધ્યમ બની શકે છે.

હાલમાં આ ગેમ પ્રોડક્શનમાં હોવાની પુષ્ટિ થઈ છે, પરંતુ તેના નિર્માતા સ્ટુડિયો, ગેમપ્લે, પ્લેટફોર્મ અને રિલીઝ અંગેની વિગતો બાકી છે. હવે ગેમિંગના શોખીનોની નજર તેના પ્રથમ ટ્રેલર અને સત્તાવાર જાહેરાત પર રહેશે.

આ પણ વાંચો: Eknath Shinde: વિનોદ કાંબલીના ઈલાજથી લઈ બાળકોના અભ્યાસનો ખર્ચો... એકનાથ શિંદેએ મદદ માટે લંબાવ્યો હાથ